જન્માષ્ટમીનો મેળો અટલ સરોવર પાસે યોજવા તૈયારી
નવા 150 ફુટ રીંગરોડ ઉપર આવેલી 90 હજાર ચોરસ મીટર જમીન ઉપર તંત્રની નજર ઠરી
લેવલિંગ માટે રૂા.12 કરોડની ગ્રાન્ટ માટે સરકારમાં દરખાસ્ત, મંજૂરી મળે તો મેળાનું સ્થળ બદલાશે
ગુજરાત મિરર, રાજકોટ,તા.18
રાજકોટ શહેરમાં રોજીંદી ટ્રાફિકની હાડમારી વચ્ચે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાતા પાંચ દિવસ યોજાતા લોકમેળાના કારણે શહેરમાં ભારે ટ્રાફિક અવ્યવસ્થા સર્જાતી હોવાથી લોકમેળો શહેરની બહાર ખસેડવા કલેકટર તંત્ર દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે તમાં હવે લોકમેળો અટલ સરોવર પાસેની આશરે 90 હજાર ચોરસ મીટર જમીન ઉપર કલેકટર તંત્રની નજર ઠરી છે અને સરકારમાંથી મંજુરી અને જમીન સમથળ કરવા માટે જરૂરી ગ્રાન્ટ મળે તો જન્માષ્ટમીનો આગામી મેળો સ્માર્ટ સીટી એરીયામાં અટલ સરોવર નજીક યોજાશે.રેસકોર્ષ મેદાન 83 હજાર ચોરસ મીટરનું છે. જયારે અટલ સરોવર પાસેની જગ્યા 90 હજાર ચો.મી.ની છે અને ત્યાં વાહન પાર્કિંગ માટે પણ પુરતી જગ્યા છે.
11 માસ પહેલા સર્જાયેલ ટીઆરપી ગેમઝોનની ગંભીર દુર્ઘટના બાદ લોકમેળાનું સ્થળ બદલવા માટેની ચર્ચાઓ શરૂૂ થઈ અને હવે આ લોકમેળો રેસકોર્સ મેદાનથી અટલ સરોવર પાસે ખસેડવામાં આવે એવી તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જોકે, અટલ સરોવર પાસેનો વિસ્તાર ખાડાવાળો હોવાથી જમીન સમથળ કરવા માટેનો નિર્ણય કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે રૂૂ. 12 કરોડનાં ખર્ચે અટલ સરોવર પાસેની 90 હજાર સ્ક્વેર મીટર જગ્યા સમથળ કરવા માટેની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવી છે અને ત્યાંથી મંજૂરી આવ્યા બાદ જમીન સમથળ કરવામાં આવશે. જેથી કહી શકાય કે, રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળો હવે આગામી વર્ષે અટલ સરોવર પાસે યોજાઇ શકે છે.
રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતુ કે, રેસકોર્સ મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમી દરમિયાન યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો અટલ સરોવર પાસે યોજવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂૂપે અટલ સરોવર આસપાસ આવેલી 90 હજાર સ્ક્વેર મીટર જેટલી જગ્યા રૂૂપિયા 12 કરોડના ખર્ચે સમથળ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગવામાં આવેલી છે.
દર વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે છે રાજકોટમાં ગત વર્ષે 24 ઓગષ્ટથી 5 દિવસ માટે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાયો હતો. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ જ યોજાયેલા આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રકારની તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. દર વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી એક સમયે શ્વાસ લેવાના પણ ફાંફા પડી જાય તેટલી મેદની એકઠી થઈ જતી હોય છે.
ગત વર્ષે મેળામાં ઓવર ક્રાઉડ થાય એટલે એન્ટ્રી અટકાવી દેતા ગત વર્ષના પોલીસના આયોજન પર નજર કરીએ તો મેળામાં ઓવર ક્રાઉડ મતલબ કે વધુ પડતી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડની અંદર એકઠા થઈ ગયા હોવાનો મેસેજ મળે એટલે તુરંત જ એન્ટ્રી અટકાવી દેવાનો નિર્ણય કરાયો હતો.
આ દરમિયાન અંદર જનારા લોકો હેરાન ન થાય કે ફસાય ન જાય તે માટે ત્રણ જગ્યાએ હોલ્ડીંગ એરિયા બનાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને ઉભા રાખી દેવામાં આવે અને જેવી અંદર ભીડ ઓછી થયાની જાણ થાય એટલે તુરંત એન્ટ્રી આપવામાં આવે. આ સિવાય ગત વર્ષના મેળામાં કુલ 6 ગેઇટ બનાવવામાં આવ્યા હતા. જેમાં 2 એન્ટ્રી ગેઇટ, 2 એક્ઝિટ ગેઇટ અને 2 ઇમર્જન્સી ગેઇટ તૈયાર કરવામાં આવ્યા હતા.
નવા સ્થળે મેળો યોજતા પહેલા રસ્તા પહોળા કરવા જરૂરી
રાજકોટની મધ્યમાં આવેલા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાતો લોકમેળો નવા 150 ફુટ રીંગરોડ ઉપર અટલ સરોવર પાસે ખસેડવામાં આવે તો શહેરમાં મેળા દરમિયાન સર્જાતી ટ્રાફિક સમસ્યા હલ થઇ શકે તેમ છે. પરંતુ મેળાના આયોજન પહેલા રૈયા ગામથી બીજા રિંગરોડને જોડતો રસ્તો તેમજ સિંગલ પટ્ટી જેવો રિંગરોડ પહોળો કરવામાં નહીં આવે તો નવા રિંગરોડ તેમજ જામનગર રોડ અને રૈયારોડ ઉપર ટ્રાફિકની અંધાધુંધી સર્જાવાનો પુરો ખતરો છે. અટલ સરોવર વિસ્તારમાં મેળાના આયોજન પૂર્વે લાખો વાહનોની અવર-જવર માટેના રસ્તા વ્યવસ્થિત કરવા જરૂરી છે.