રેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારી
ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની ધારણા, પાર્કિંગ-ટ્રાફિક નિયમનની વ્યવસ્થા ગોઠવતી પોલીસ
સ્મશાનયાત્રાના રૂટ ઉપર શ્રધ્ધાંજલિના હોર્ડિંગ લાગ્યા, DNA રિપોર્ટ આવ્યા બાદ તમામ સમય નક્કી થશે
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં રાજકોટનાં પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હોય જેને લઈને સમગ્ર રાજકોટ શહેર શોક મગ્ન બન્યું છે. સ્વ.વિજયભાઈ રૂપાણીની સ્મશાનયાત્રા અને પ્રાર્થનાસભાને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ કે સમય નક્કી થયો નથી. ડીએનએ રિપોર્ટ બાદ તમામ કાર્યક્રમો ગોઠવાશે. પરંતુ તકેદારીના ભાગરૂપે આજે પોલીસે પ્રાર્થનાસભા અને સ્મશાન યાત્રાને લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું અને ટ્રાફીક નિયમન સાથે પોલીસ બંદોબસ્ત અંગેનું પોલીસ અધિકારીઓએ નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતાં. તેમજ રાજકોટમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની સ્મશાન યાત્રાના રૂટ ઉપર અત્યારથી જ શ્રધ્ધાંજલીના હોર્ડિંગ્સ લાગ્યા છે. રાજકોટવાસીઓ માટે આ એક દુ:ખદ ઘટના છે ત્યારે વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે રાજકોટવાસીઓ દુ:ખ સાથે તેમની અંતિમ ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ત્યારે તે અંગેની વ્યવસ્થા માટે ભાજપ અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓએ મહત્વની બેઠક કરી હતી.
સામાન્ય કાર્યકરથી લઈને મુખ્યમંત્રી સુધીની સ્વ.વિજયભાઈ રૂપાણીની સફરમાં કાર્યકરથી લઈ દિગ્ગજ નેતાઓનો સિંહ ફાળો રહ્યો છે. ઉંડા વ્યક્તિત્વના માલિક નિખાલસ, નમ્ર અને સાચા લોક નેતાની અણધારી વિદાયથી રાજકોટવાસીઓ ભારે આઘાતમાં સરકી ગયા છે. ઘટનાની જાણ થયા બાદ વિજયભાઈના ઘરે મોટી સંખ્યામાં અગ્રણીઓ કાર્યકરો અને તેમના નિકટજનો મોટી સંખ્યામાં પહોંચી ગયા હોય જેને લઈને પોલીસે પણ તાત્કાલીક ખાસ વ્યવસ્થા ઉભી કરી હતી. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વિજયભાઈ રૂપાણીની રાજકોટ ખાતે જ અંતિમવિધી કરવામાં આવનાર હોય ત્યારે તેને લઈને ભાજપ પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ સ્મશાન યાત્રા અને રેસકોર્ષ ખાતે પ્રાર્થનાસભાના સમય નક્કી કરવામાં આવશે. જો કે હાલ ભાજપના અગ્રણીઓ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સ્વ.વિજયભાઈ રૂપાણીની સ્મશાન યાત્રા અને પ્રાર્થનાસભામાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોય ત્યારે પોલીસ દ્વારા કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે આગોતરું આયોજન કર્યું છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડિસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને ડીસીપી ટ્રાફીક પૂજા યાદવના નિરીક્ષણ અને સુપરવીઝન હેઠળ પોલીસે પાર્કીંગ તેમજ ટ્રાફીક નિયમનન વ્યવસ્થા ગોઠવશે જેને લઈને આજે પોલીસ અધિકારીઓએ રેસકોર્ષ ખાતે સ્વ.વિજયભાઈ રૂપાણીની જ્યાં પ્રાર્થનાસભા યોજાવાની હોય તે સ્થળની વિઝીટ કરી હતી.
અમદાવાદથી વિમાન માર્ગે સ્વ.વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે લાવવામાં આવશે. જ્યાંથી કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, હોસ્પિટલ ચોક અને રેસકોર્ષ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી ખાતે પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અને પ્રકાશ સોસાયટી ખાતેથી સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા રામનાથપરા સ્મશાન ખાતે જશે. સ્મશાન યાત્રા પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને યાજ્ઞીક રોડ અને ત્રિકોણબાગ થઈ રામનાથપરા ખાતે પહોંચશે. ત્યારે સ્મશાનયાત્રાના રૂટ ઉપર શ્રધ્ધાંજલીના હોર્ડિંગ્સ લાગ્યા છે. રાજકોટનાં પનોતા પુત્રના અંતિમ વિદાય આપવા માટે રાજકોટ વાસીઓએ તેમને અંતિમ શ્રધ્ધાંજલી આપવા ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવ્યા છે. સ્મશાનયાત્રાના રૂટ ઉપર વ્યવસ્થાના ભાગરૂપે વાહન વ્યવહારથી લઈ તમામ વ્યવસ્થાઓની તૈયારી કરવામાં આવી છે.
નિર્મલા કોન્ટવેન્ટ, સોજીત્રાનગર, મહિલા કોલેજ આસપાસ પાર્કિંગ વ્યવસ્થા
સ્વ.વિજયભાઈ રૂપાણીની તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નિકળનાર હોય તેમની અંતિમ યાત્રામાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવનાર હોય ત્યારે ટ્રાફીક પોલીસ દ્વારા પાર્કીંગ માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્વ.વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન આસપાસ નિર્મલા કોન્વેન્ટ રોડ, સોજીત્રા નગર પાણીના ટાંકાના ગ્રાઉન્ડ તેમજ કે.કે.શેઠ હોસ્પિટલ અને મહિલા કોલેજની અંદર વાહનોના પાર્કીંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેજ રીતે પ્રાર્થનાસભા કે જે રેસકોર્ષ રમેશભાઈ પારેખ ઓડીટોરીયમ ખાતે યોજાનાર હોય ત્યારે રેસકોર્ષમાં પ્રાર્થનાસભામાં હાજર રહેનાર લોકો માટે પણ બહુમાળી ભવનથી લઈ ક્રિકેટ સ્ટેડિયમ આસપાસ અને ઈન્કમટેક્ષ પાસે ટ્રાફીક અવ્યવસ્થા ન થાય તે માટે પાર્કીંગના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.