દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓનો પ્રારંભ
સાતમ, આઠમ અને નોમ ત્રણ દિવસ ભગવાનની ભક્તિમાં રંગાશે ભકતજનો : જગતમંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગશે : ડોમ બાંધવાના શરૂ, સમગ્ર નગરીને અદ્ભૂત શણગારાશે : કિર્તીસ્થંભ પાસેથી ભાવિકોને બેરિકેટમાં પ્રવેશ આપી સ્વર્ગ દ્વારથી મંદિરમાં જવા દેવાશે
ભગવાન કૃષ્ણના જન્મને વધાવવા અત્યારથી જ ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકાનગરીમાં જન્માષ્ટમીના મહોત્સવની તડામાર તૈયારીઓનો આરંભ થયો છે.
રંગબેરંગી લાઈટથી દ્વારકાનગરી જળહળી ઉઠશે. ભાવિકોની સુવિધાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ પણ તૈયારીઓમાં વિશેષ સુચન કરી રહ્યું છે અને દર્શનાર્થીઓને ઉત્સવનો ભાગ બનવા અપીલ કરી રહ્યું છે. દ્વારકાવાસીઓ પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે થનગની રહ્યાં છે.
યાત્રાધામ દ્વારકામાં દ્વારકા જગતમંદિરે જન્માષ્ટમીના ઉત્સવના તહેવારને પાંચ દિવસ આડા છે ત્યારે જન્માષ્ટમી નો ઉત્સવ ઉજવવા વહીવટી તંત્ર એ તડામાર તૈયારી ચાલું કરી દીધી છે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવવા આવવાના હોવાથી દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે છાયડા માટે મોટા ડોમ બાંધવામાં આવ્યા છે. રેલીંગો નાખવામાં આવી છે. કીર્તિસ્થંભ પાસેથી દર્શનાથીઓને બેરીકેટમાં પ્રવેશ દૈઈ છપ્પનસિડી સ્વર્ગ દ્વારેથી મંદિરમાં જવા એન્ટ્રી કરવા દેવામાં આવશે મોક્ષ દ્વારેથી એકઝીટ (બહાર) નિકળવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે.
દ્વારકાધીશ જગત મંદિર સુશોભિત કરવા તૈયારી શરૂૂ કરાય છે મંદિર લાઇટિંગથી ઝગમગી ઉઠશે. આગામી સાતમ આઠમ નોમ ત્રણ દિવસ સુધી દ્વારકા જગતમંદિરે તહેવાર ઉજવનાર હોય 16 મી ઓગસ્ટ શ્રાવણ વદ આઠમના જન્માષ્ટમીનો તહેવાર હોવાથી દ્વારકાધીશ જગત મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જગત મંદિર દર વર્ષની જેમ લાઇટિંગના ડેકોરેશન થી ઝગમગી ઊઠે તે માટે તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે. હાથી ગેટ રબારી ગેટ ઇસ્કોન ગેટ હોટલો બજારોમાં વિવિધ કલરના લાઇટિંગ ઝગમગી ઉઠશે.
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને બેટના દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
આગામી શનિવાર તા. 16 મી ના રોજ જન્માષ્ટમીનો પાવન પર્વ હોય, આ પ્રસંગે સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરના દર્શનમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે.જેમાં શનિવારે સવારે 7:30 વાગ્યે શ્રી ઠાકોરજીની મંગલા આરતી, 8 વાગ્યે મોર આરતી, 8:30 વાગ્યે શ્રી ઠાકોરજીના ખુલ્લે પડદે પંચામૃતથી સ્થાન બાદ બપોરે 1 વાગ્યે મીઠા જળ અને અનોસર (દર્શન બંધ) રહેશે. પુન: 4:30 વાગ્યે ઉત્થાપનના દર્શન, રાત્રે 8 વાગ્યે શયનના દર્શન તેમજ રાત્રે 12 વાગ્યે ઠાકોરજીના જન્મના દર્શન બાદ રાત્રે 12:30 વાગ્યે શ્રી ઠાકોરજીના ખુલ્લા પડદે પંચામૃત સ્નાનના દર્શન યોજવામાં આવશે. પારણા નોમ નિમિત્તે રવિવાર તા 17 ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે પલણાના દર્શન, 9 વાગ્યે મીઠાજળ બાદ અનોસર રહેશે. સાંજે 4:30 વાગ્યે ઉત્થાપન બાદ રાત્રે 8 વાગ્યે શયનના દર્શન યોજનાર હોવાનું બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરના ઇન્ચાર્જ વ્યવસ્થાપકની એક યાદીમાં જણાવાયું છે.
નો પાર્કિંગ ઝોન, વન-વે અને નો-એન્ટ્રી અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. 17 ઓગસ્ટ સુધી દ્વારકા શહેરના કેટલાક વિસ્તારો નો પાર્કિંગ તેમજ પાર્કિંગ ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જેમાં પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી 50 મીટર ત્રિજ્યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી 50 મીટર ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી 50 મીટર ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર 50 મીટર ત્રિજ્યામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર 100 મીટર ત્રિજ્યામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી 100 મીટર ત્રિજ્યા અને કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્તારના 200 મીટર ત્રિજ્યામાં નો પાર્કિંગ ઝોન તરીકે નિયત કરાયો છે. આ ઉપરાંત વિવિધ પાર્કિંગ ઝોન મુજબ હાથી ગેઈટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતી ઘાટ ખુલ્લુ મેદાન, સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથી ગેઈટની સામે ફોર વ્હીલ, થ્રી વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ વિસ્તાર રહેશે.અન્ય એક હુકમના તા. 17 ઓગસ્ટ સુધી રસ્તાઓને વન-વે જાહેર કરાયા છે.
જે મુજબ જોધાભા ચોકથી પૂર્વ દરવાજા સુધી તેમજ ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધી (નો એન્ટ્રી) ફક્ત એક્ઝિટ રહેશે. આ ઉપરાંત ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગેના જાહેરનામામાં હાથી ગેઈટથી દ્વારકાધીશ મંદીર તરફ, કાનદાસ બાપુ આશ્રમથી ભથાણ ચોક- કીર્તિસ્તંભ- દ્વારકાધીશ મંદીર તરફ, મહાજન બજારથી દ્વારકાધીશ મંદીર તરફ, બ્રહ્મકુંડથી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, કિર્તીસ્તંભ સર્કલથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ તમામ વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે. જ્યારે ધીંગેશ્વર મંદીરની સામેની શેરી દ્વારકાધીશ મંદીર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર, નિલકંઠ ચોક, દ્વારકાધીશ મંદીર તરફ થ્રી વ્હીલ, ફોર વ્હીલ અને ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે.
ઇસ્કોન ગેઈટથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોક, દ્વારકાધીશ મંદીર તરફ, પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ તરફ જતા રસ્તે, બસ/ ભારે વાહનો તમામના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં પરવાનગી અપાયેલા વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફીક વ્યવસ્થા માટે તા. 19 ઓગસ્ટ સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદીર - બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે.