કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન શરૂ
અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીઓના ભાગરૂૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂૂપે મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે અડચણરૂૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ મોટેરાના બળદેવનગરમાં આવેલા મકાનો ટીપી રોડની કપાતમાં આવતા હતા. કોર્પોરેશન દ્વારા સ્થાનિક રહીશોને અગાઉ મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે, રહીશોએ મકાન ખાલી કરવાને બદલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે રહીશોની આ અરજી નકારી દીધી હતી, જેના પગલે કોર્પોરેશન માટે રસ્તો સાફ થઈ ગયો હતો અને આજે તાત્કાલિક ધોરણે ડિમોલિશન હાથ ધરાયું હતું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડોના ખર્ચે એસવીપી એન્કલેવ બનવાનું હોવાથી આ વિસ્તારને ડેવલપ કરવાની કામગીરી ચાલી રહી છે. અચેર ડેપોથી ટોરેન્ટ પાવર સુધી સીધો ખૂલતા ટીપી રોડને ખુલ્લો કરવા માટે બળદેવનગર અને સુભાષનગર વિસ્તારના કુલ 29 જેટલા મકાનો આડે આવતા હતા. સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલા 24.0 મીટર પહોળાઈના ટીપી રોડને ખુલ્લો કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બળદેવનગરના કુલ 29 જેટલા મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી 4 હિટાચી મશીન, 2 જેસીબી અને સ્ટાફની મદદથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી અને બુલડોઝરની મદદથી દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.