ગિરનાર અંબાજી મંદિરના નવા મહંત તરીકે પ્રેમગીરી બાપુની નિમણૂક, વિવાદ યથાવત
જુનાગઢના ગીરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે હવે વિરોધ વચ્ચે અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક કરવામાં આવી છે, જેમાં અખાડા પરિષદે પ્રેમગીરીબાપુની અંબાજી મંદિરના મહંતપદે નિયુક્તિ કરી છે.
જુનાગઢમાં ભવનાથના મહંત સહિત સાધુઓએ પ્રેમગીરી મહારાજની નિમણૂક કરી છે, બીજી બાજુ બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારોએ આ નિમણૂક સામે ઉગ્ર વિરોધ કર્યો. બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારજનોએ માગ કરી છે કે, તેમની પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે. અન્ય મહંતની ચાદરવિધિ કે જાહેરાત સ્વીકારવામાં નહીં આવે. તનસુખગીરી બાપુના પરિવાર જનોએ આત્મવિલોપનની ચીમકી આપી છે. પ્રેમગીરી બાપુએ કહ્યું કે, ગાદીપતિ કોઈ કાંઈ લખીને અથવા કોઈ ઉત્તરાધિકારી નિયુક્ત કરીને ગયા હોત તો કોઈ વિરોધ ન થાત. જ્યારે રૂૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, આજે અખાડાની સર્વે સંતોએ નિર્ણય લઈને પ્રેમગીરી મહારાજને મહંત ઘોષિત કર્યા છે.
જૂના અખાડા દ્વારા અંબાજી મંદિરના નાવ મહંત તરીકે અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરી બાપુની ચાદરવિધિ કરવામાં આવી હતી. આ મુદ્દે ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે અંબાજી મંદિરના મહંત મુદ્દે અંતિમ નિર્ણય કલેક્ટર લેશે.
જુનાગઢ બ્રહ્મલિન તનસુખગીરી બાપુ બાદ અંબાજી મંદિરના નવા મહંતની પસંદગી મુદ્દે મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે પણ વિવાદ થયો છે, એ મુદ્દે મે સ્પષ્ટતા આપી છે. આ વિવાદ મારી જગ્યામાં નથી. ગીરનાર અને ધર્મમાં કોઈ આંચ ન આવે, એ વિશે વધુ ધ્યાન આપવું જોઈએ. અખાડા સંરક્ષણની ભૂમિકામાં હોય છે. નવા મહંતની ચાદરવિધિ સહમતીથી થવી જોઈએ. કલેક્ટરે આ બાબતે ધ્યાન આપવાની જરૂૂર નથી. હું અંબાજી મંદિરના મહંત બનવા માટે સામેથી દાવો નહી કરું.