બિસ્માર રસ્તાના કારણે 108 નહીં પહોંચી શકતા પ્રસુતાને ઝોળીમાં લઇ જવાઇ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ ખેંદા ગામની એક પ્રસૂતા મહિલાને ઝોળીમાં લઈ જતો વિડિયો સામે આવ્યો છે. આ ગામમાં રહેતી એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ ગામનો રસ્તો છેલ્લા 10 વર્ષથી અત્યંત બિસ્માર હોવાથી એમ્બ્યુલન્સ ઘરે પહોંચી શકી નહીં. ખાનગી વાહનમાં લઈ જતી વખતે પણ વાહન રસ્તામાં ફસાઈ ગયું હતું. જેના કારણે મહિલાને ઝોળીમાં નાખીને ગામવાસીઓએ 1 કિમી દૂર 108 સુધી લઈ જવી પડી હતી. બાદમાં તેમને દુગ્ધા ગામના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી.
હાલ ખેંદા ગામમાં રહેતા રિનાબેન઼ ભીલને સગર્ભા હોવાથી તેમને પ્રસવની પીડા ઉપડતા 108ને બોલવામાં આવી પરંતુ રસ્તો ખૂબ જ બિસમાર હોવાથી 108 ઘર સુધી પહોંચી નહીં શકતા ગામમાંથી ખાનગી વાહન દ્વારા પ્રસૂતા મહિલાને લઈ જવામાં આવી હતી. પરંતુ એ ખાનગી વાહન પણ ખરાબ રસ્તાના કારણે અધવચ્ચે ફસાઈ ગયું હતું. વાહન ફસાઈ જતા મહિલાને ઝોળીમાં નાખી બિસ્માર રસ્તા પર 1 કિમી દૂર ઝોળીમાં નાખી 108 સુધી પહોંચાડવામાં આવી હતી.
108 દ્વારા દુગ્ધા ગામના આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાને દાખલ કરવામાં આવી હતી.નસવાડી તાલુકાના ખેંદા ગામના સ્થાનિક આગેવાન દાદુભાઈ ભીલ જાણવ્યું હતું કે, ખેંદા ગામ સહિતના ડુંગરાળ વિસ્તારોના રસ્તાઓ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર છે. રસ્તા માટે વારંવાર રજૂઆત છતાં કોઈ અસર થતી નથી. ઢોલ નગારા વગાડ્યા છતાં સરકાર દ્વારા અવગણના થાય છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે વિકાસના દાવાઓ હકીકતમાં ક્યાં સુધી પહોંચ્યા છે, તેં ચિંતા જનક છે. આદિવાસી વિસ્તારોની આ સમસ્યાઓ ક્યારે નાબૂદ થશે, એ મોટો પ્રશ્ન છે.