ફાયર વિભાગમાં 419 પોસ્ટ માટે તા. 4થી 8 પ્રેક્ટિકલ ટેસ્ટ
ટીઆરપી ગેમઝોન દૂર્ઘટનાબાદ ફાયર વિભાગમાં શહેરની વસ્તી મુજબનો સ્ટાફ હોવો જોઈએ અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવું સરકારે નક્કી કરી રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટની 419 ઉમેદવારોની ભરતી માટે પ્રથમ ફાયર મેનની 272 જગ્યા ભરવા જાહેરાત કરવામાં આવેલ જેની 2147 ઉમેદવારોએ અરજી કરતા આગામી તા. 4થી તા. 8 સુધી પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે.
મનપાના ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટની કુલ 419 ઉમેદવારોની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યના અન્ય મહાનગરોમાં પણ ભરતી શરૂ કરવામાં આવી છે. જેના લીધે ફોર્મ ભરવાની જાહેરાત કર્યા બાદ ફાયર મેનની 272 જગ્યા માટે 2147 ઉમેદવારોએ અરજી કરી છે. તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં એક સાથે ફાયર વિભાગમાં ભરતી હોવાથી અન્ય જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારોએ સ્થાનિક મનપામાં અરજી કરવાનો નિર્ણય લેતા અરજી ઓછી આવી હોવાનું જાણવા મળેલ છે. ફાયર મેનની 272 જગ્યા માટે પ્રેક્ટિકલ ટેસ્ટ આગામી તા. 4થી તા. 8 સુધી લેવામાં આવશે. અલગ અલગ પોસ્ટ માટે ટેક્નિકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં સ્ટેશન ઓફિસર માટે ત્રણ અરજી આવેલ છે. જ્યારે સબ ઓફિસર માટે 38 અને ડિવિઝનલ ફાયર ઓફિસર માટેના એક ઉમેદવારના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં.
મહાનગરપાલિકા દ્વારા હાલમાં સંચાલીત ફાયર સ્ટેશનો તેમજ કોઠારિયા અને રીંગરોડ ઉપર નવા બનનારા ફાયર સ્ટેશન માટે નવા સ્ટાફની નિમણુંક કરવાની હોવાથી તેમજ હાલના ફાયર સ્ટેશનો માટે સ્ટાફની ઘટ હોવાથી રાજ્ય સરકારની સૂચના બાદ મહાનગરપાલિકાએ સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર અને ડિવિઝન ફાયર ઓફિસર તથાં ફાયર મેનની નવી ભરતી માટેની જાહેરાત કરી હતી. જેમાં સ્ટેશન ઓફિસર તથા સબ ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસરના ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં. જયારે ફાયર મેનની 272 જગ્યા માટે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાનો હોય આગામી 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન ટેસ્ટ લેવામાં આવશે. જેનું રિઝલ્ટ આવ્યા બાદ અલગ અલગ ફાયર સ્ટેશનો માટે ફાયરમેન અને અન્ય સ્ટેશન ઓફિસરોની ફાળવણી કરવામાં આવશે.
મહાનગરપલિકાના ફાયર સ્ટેશનોમાં ઘણા સમયથી સ્ટાફની ઘટ હતી પરંતુ નવી ભરતી કરવામાં આવેલ ન હતીં. ત્યારે ગેમઝોન દૂર્ઘટના સર્જાતા ફાયર વિભાગની બેદરકારી પણ સામે આવી છે. જેના લીધે ફાયરનો સ્ટાફ વધારવામાં આવેતેવી મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓની માંગ ઉગ્ર બનતા સરકારે તમામ પાલિકાઓ અને મહાનગર પાલિકાઓમાં નવા સેટઅપની ભરતી કરવાની મંજુરી આપી હતી. આ દરખાસ્ત રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થઈ જતા ઈન્ટરવ્યુ તેમજ અરજી પ્રક્રિયા સહિતનું કામ શરૂ કરવામાં આવેલ જે હવે પ્રેક્ટિકલ ટેસ્ટ લીધા બાદ પૂર્ણ કરવામાં આવશે.