ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સ્માર્ટ મીટરમાં પણ વીજચોરી, સરકારના મહાપ્રોજેકટ સામે સવાલ

03:56 PM Sep 03, 2025 IST | Bhumika
Advertisement

જેટકોની વિજિલન્સ ટીમે સિંગલ અને થ્રી ફેઇઝ સ્માર્ટ મીટરમાં ‘આંકડી’ની કારીગીરી ઝડપી લેતા ખળભળાટ

Advertisement

એજન્સીના માણસોએ જ ‘રોકડી’ ચાલુ કરી દીધી, સ્માર્ટ મીટરમાં ફેઇઝ ટુ ફેઇઝ અને ન્યુટ્રલ લીંક મારેલી મળી

મીટર લગાવવા સમયે જ ‘આંકડી’ મારી સિલિંગ પણ કરી દીધા, વીજકંપનીઓ દ્વારા ઘટના દબાવવા પ્રયાસ

ગુજરાતમાં વીજ ચોરી ડામવા માટે રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે સ્માર્ટ મીટરો લગાવવાનો પાઈલોટ પ્રોજેકટ શરૂ કરાયો છે અને તેની સામે લોકોમાં પણ ભારે વિરોધ તેમજ ફરીયાદો ઉઠી રહયા છે. ત્યારે સ્માર્ટ મીટરની વિશ્ર્વસનિયતા સામે જ સવાલ ઉભા થાય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજય સરકારે વીજ ચોરી ડામવા માટે લગાવેલા સ્માર્ટ મીટરમાંથી પણ વીજ ચોરી ઝડપાતા વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. સાથોસાથ વીજ ચોરી ડામવાના એકમાત્ર હેતુથી અમલમાં મુકાયેલા સ્માર્ટ મીટરના રાજય સરકારના મહા પ્રોજેકટ સામે પણ સવાલો સર્જાયા છે.

સરકાર દાવો કરી રહી છે કે સ્માર્ટ મિટરમાં વીજ ચોરી કરવી શકય નથી. પરંતુ ભેજાબાજોએ સરકારના આ દાવાને ખોટો પાડતી ઘટના સૌરાષ્ટ્રના જ એક સેન્ટરમા બની છે. જો કે આ સમગ્ર ઘટના ઉપર હાલ ઢાંકપીછોડો કરવામાં આવી રહયો હોવાનું જાણવા મળી રહયુ છે.

સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લામાં સ્માર્ટ મિટરમાં વીજ ચોરી થતી હોવાની શંકાના આધારે થોડા દિવસ પહેલા જેટકોની વિજિલન્સ ટીમે કેટલાક સ્થળે દરોડા પાડી સ્માર્ટ મિટરની ચકાસણી કરી હતી. આ દરમ્યાન ત્રણ સ્થળેથી સીલ લાગેલા સ્માર્ટ મિટરમાંથી ‘આંકડી’ મારી વીજ ચોરી કરવાની કિમીયાગીરીનો પર્દાફાશ થયો હતો. વિજિલન્સના ચેકીંગ દરમ્યાન બહાર આવ્યુ હતુ કે સ્માર્ટ મિટરમાં ફેઇઝ ટુ ફેઇઝ અને ન્યુટ્રલને લીંક કરી ‘આંકડી’ મારવામાં આવી હતી અને આ રીતે વીજ ચોરી કરવામા આવી રહી હતી. વિજિલન્સની ટીમે આ સમગ્ર પ્રક્રિયાનું વિડીયો શુટીંગ પણ કર્યુ હોવાનુ જાણવા મળે છે.
હાલ આવા ત્રણ કિસ્સા સામે આવ્યા હોવાનુ સુત્રો જણાવી રહયા છે. જેમા ભાવનગર ગ્રામ્ય, જેસર તથા બગદાણામાં સ્માર્ટ મિટરમાં વીજ ચોરીના કિસ્સા પકડાયા હોવાનું જણાવાય છે.

સુત્રોનાં કહેવા મુજબ જે સ્માર્ટ મિટરોમાંથી વીજ ચોરી ઝડપાઇ છે તે સ્માર્ટ મિટરો સીલ કરેલા અને નિયમો મુજબ લગાડેલા હતા. પરંતુ મિટર ફીટ કર્યા પહેલા જ વીજ ચોરીની ‘કારીગરી’ કરી લેવામાં આવી હોવાનુ જણાયુ હતુ. આ સ્માર્ટ મિટર લગાવવાનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીઓને આપવામાં આવેલ છે અને ખાનગી એજન્સીઓ હંગામી કર્મચારીઓ રાખી સ્માર્ટ મિટરો ફીટ કરાવી રહી છે. ત્યારે મિટરો ફીટ કરતા ખાનગી એજન્સીઓના કર્મચારીઓનું જ આ કારસ્તાન હોવાનુ માનવામાં આવી રહયુ છે.

પરંતુ આ ઘટના અંગે હાલ પીજીવીસીએલનાં કોઇ અધિકારીઓ પણ કંઇ બોલવા તૈયાર નથી અને સ્માર્ટ મિટર લગાવતી એજન્સી સામે ગુપ્તરાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનુ જાણવા મળી રહયુ છે. હાલ સ્માર્ટ મિટર સામે ભારે ગુજરાતભરમાં ભારે ઉહાપોહ ચાલી રહયો છે અને સ્માર્ટ મિટરનો ઠેર ઠેર વિરોધ થઇ રહયો છે. તેવા સમયે જ સ્માર્ટ મિટરમાંથી પણ વીજ ચોરી ઝડપાતા વીજ તંત્ર દ્વારા સમગ્ર ઘટના દબાવવા પ્રયાસો થઇ રહયા છે. કોઇ અધિકારીઓ આ બારામાં કંઇ કહેવા તૈયાર નથી. પરંતુ વીજ કંપનીઓના ઇજનેરોમાં પણ સ્માર્ટ મિટર સામે ભારે ધુંધવાટ હોવાનુ જાણવા મળી રહયુ છે.

Tags :
bhavnagarcrimegovernment mega projectgujaratgujarat newsPower theftsmart meters
Advertisement
Next Article
Advertisement