એવા લોકોના હાથમાં પાવર છે જે જમીની વાસ્તવિકતાથી દૂર છે
બિહારમાં રકાસ બાદ કોંગ્રેસના નેતૃત્વ સામે મુમતાઝ પટેલે ઉઠાવ્યા સવાલ
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પાર્ટીના દિગ્ગજ નેતા દિવંગત અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પાર્ટીના નેતૃત્વ પર જ સવાલ ઉઠાવ્યા છે. મુમતાઝ પટેલે જણાવ્યું કે, એવા લોકોના હાથમાં પાવર આપવો જે જમીની વાસ્તવિક્તાથી વિમુખ છે, તેજ કોંગ્રેસની સતત નિષ્ફળતા પાછળનું મોટું કારણ છે.
દિવંગત નેતાની પુત્રી મુમતાઝ પટેલે X પોસ્ટ પર લખ્યું કે, ના કોઈ બહાનું, ના કોઈ આરોપ-પ્રત્યારોપ અને ના તો આત્મચિંતન. હવે સમય આવી ગયો છે કે, આપણે આપણી અંદર જોઈએ અને વાસ્તવિક્તાનો સ્વીકાર કરીએ. પાર્ટીના પ્રામાણિક કાર્યકર્તાઓને સફળતા મેળવવા માટે હજુ સુધી કેટલી રાહ જોવી પડશે.
કોંગ્રેસ પાર્ટી વારંવાર એવા લોકોના કારણે જ હારી રહી છે, જેમના હાથમાં તમામ તાકાત અને અંકુશ છે. વર્ષો જૂની મહાન પાર્ટીની અધોગતિ અને પરાજય માટે આવા લોકો જ જવાબદાર છે. વધુમા મુમતાઝ પટેલે લખ્યું કે, મારા શબ્દો પર ધ્યાન આપજો. આવા લોકોને જ વારંવાર મહત્વ આપવામાં આવશે, કારણ કે તેમણે પોતાના અંકુશ અને શક્તિ દ્વારા પોતાને અનિવાર્ય બનાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં મુમતાઝ પટેલ ગુજરાતની ભરૂૂચ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતી હતી. જો કે ઈન્ડિ ગઠબંધન સાથેની શરતોના કારણે આ બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવી હતી.