મોરબીમાં રાસોત્સવમાં ગરબા રમ્યા બાદ પોસ્ટમેનનું હાર્ટએટેકથી મોત
જમણવારનો કાર્યક્રમ ચાલુ થયા બાદ અચાનક ઢળી પડ્યા
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયા પેલેસ ખાતે રહેતા અને પોસ્ટ વિભાગમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રવજીભાઈ ઘુમલીયા જાતે પટેલ (49) પોસ્ટ ઓફિસ ખાતે રાસ ગરબાના કાર્યક્રમ આવ્યા હતા અને બાદ જમણવારમાં હાજર હતા.
દરમિયાન તેને હાર્ટ અટેકનો તીવ્ર હુમલો આવતા તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની ધનજીભાઈ રવજીભાઈ ઘુમલીયા જાતે પટેલ (54) રહે. તપોવન રેસીડેન્સી નીલકંઠ હાઇટ્સ ઉમિયા સર્કલ પાસે સનાળા રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે પોસ્ટ ઓફિસના પટાંગણમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને તેઓના પરિવાર માટે એક દિવસ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાસ ગરબા બાદ જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. રાસ ગરબામાં મૃતક દિનેશભાઈ રવજીભાઈ ઘૂમલીયા સહિતના પોસ્ટ વિભાગના કર્મચારીઓને તેના પરિવારજનો સાથે રાસ ગરબા લીધા હતા. ત્યાર બાદ જ્યારે જમણવારનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે દિનેશભાઈ ઘુમલીયાને હાર્ટ અટેકનો હુમલો આવતા તેનું મોત નીપજ્યું હતું આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.