ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશનું ટાઇમટેબલ ગોટે ચડ્યું
ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) મેડિકલ પ્રવેશ માટેનું શેડ્યૂલ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હોવા છતાં, ઓલ-ઇન્ડિયા ક્વોટા (AIQ) માં ચોઇસ ફિલિંગ પ્રક્રિયામાં વિલંબને કારણે અનિશ્ચિતતા યથાવત છે.
રાજ્ય ક્વોટાના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 19થી 27 નવેમ્બર દરમિયાન યોજવાનો હતો, જેમાં ગુજરાતમાં લગભગ 3,100 પીજી મેડિકલ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા થવાની હતી. જોકે, AIQની પ્રક્રિયા હજી સુધી પૂર્ણ ન થવાથી, રાજ્ય ક્વોટાનો રાઉન્ડ નિર્ધારિત સમય મુજબ આગળ વધશે કે કેમ તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે. સત્તાવાર શેડ્યૂલ મુજબ, AIQ માટે સીટ એલોટમેન્ટ 20 નવેમ્બરના રોજ અપેક્ષિત હતું, પરંતુ AIQ પ્રવેશ સમિતિની વેબસાઇટ પર ચોઇસ ફિલિંગ બેથી ત્રણ દિવસ લંબાવાશે તેવી સૂચના મૂકવામાં આવી હતી, જેને પાછળથી અચાનક હટાવી લેવામાં આવી હતી. આનાથી ઘણા ઉમેદવારો, જેમણે છેલ્લી ઘડીની રાહ જોઈ હતી, તેઓ ચોઇસ ફિલિંગથી વંચિત રહ્યા હોવાની ફરિયાદ કરી હતી.
અધિકારીઓનું કહેવું છે કે, AIQનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજ્ય ક્વોટાનો રાઉન્ડ શરૂૂ થઈ શકે નહીં, અને તેથી રાજ્ય ક્વોટાની પ્રક્રિયા ક્યારે આગળ વધશે તે હવે AIQ પ્રવેશના સમયરેખા પર નિર્ભર છે. પ્રવેશ સમિતિ દ્વારા બેઠકોની સંખ્યામાં વારંવાર ફેરફાર કરવાથી પણ અરજદારો માટે ગૂંચવણ વધી છે.