વડોદરામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર કયાં સુધી?
ક્રાંતિકારી સેનાના નામે મધરાત્રે પોસ્ટર લાગતા રાજકીય ગરમાવો
ગુજરાતમાં ભાજપના શાસનમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને અત્યારે ભાજપ સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે વિપક્ષ સહિત અનેક સંગઠનો પણ દુષ્કર્મની ઘટના મામલે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં દુષ્કર્મની ઘટના મામલે ભાજપ સામે પોસ્ટર વોર શરુ થયું છે જેમાં ક્રાંતિકારી સેના દ્વારા ભાજપના સાંસદને ટાર્ગેટ કરીને લખવામાં આવ્યું છે.
વડોદરામાં ભાજપના સાંસદ વિરુદ્ધ રાત્રીના સમયે બેનરો લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ક્રાંતિકારી સેના દ્વારા મધરાત્રીએ ફરી એકવાર સત્તા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ બેનર લગાવવામા આવ્યા છે. જેમાં ક્રાંતિકારી સેનાએ વડોદરા સહિત ગુજરાતના સાંસદને ટાર્ગેટ બનાવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર ક્યાં સુધી ? આ સાથે promodi અને antiBJP નું લખાણ પણ તેમાં જોવા મળી રહ્યું છે. ત્યારે દુષ્કર્મની ઘટનાઓને લઈને શહેરમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
હમણાં ઝઘડિયામાં 10 વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી હતી આ માસુમ દીકરી સાથે જે બર્બરતા આચરવામાં આવી હતી તેના કારણે તેના વડોદરાના SSG હોસ્પિટલમાં 7 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી ત્યારે 23 ડિસેમ્બરે 7 દિવસની સારવાર બાદ આખરે આ બાળકી મોતને ભેટી છે. ત્યારે આ ઘટના મામલે વિપક્ષ સહિત અનેક લોકો ભાજપને ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ તાજેતરમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી હતી જેના કારણે સંસ્કારી નગરી વડોદરા દિકરીઓ માટે સલામત ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ભાજપના નેતાઓ આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી રહ્યા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયાસ નથી કરી રહ્યા.