ખંભાળિયા નજીકના ગ્રામ્ય માર્ગનું કામ નબળી ગુણવત્તાવાળું: પૂર્વ સરપંચનો આક્ષેપ
ખંભાળિયા નજીકના કણઝાર ચોકડીથી નવા વિરમદળ માર્ગનું કામ નબળી ગુણવત્તાવાળું થયા હોવાનો લેખિત આક્ષેપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. જે મુદ્દે સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના પૂર્વ સરપંચ ખીમાભાઈ નેભાભાઈ આંબલીયાએ અહીંના માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક અધિકારીને એક લેખિત પત્ર પાઠવીને જણાવ્યું છે કે ખંભાળિયા તાલુકાના કણઝાર રોડથી નવા વિરમદળ તરફ જતા માર્ગનું કામ તાજેતરમાં કરવામાં આવ્યું છે.
જે ખૂબ જ નબળી ગુણવત્તા વાળું કરાયું છે. આ પત્રમાં વધુમાં જણાવ્યા મુજબ જૂનો જે ડામરોડ બનાવવામાં આવ્યો હતો અને તેમાં જે ખાડા ખડબા હતા તે રિપેર કર્યા વગર સીધા જ તે રોડના આધારે તેનું માપ લઈને કામ કરવામાં આવ્યું છે. જેથી રોડ પર ડામર અને કાકરીને ગુણવત્તા ચડવાથી નથી આટલું જ નહીં ડામર અને કાકરી સમતળ રીતે એક સરખી પાથરવામાં આવ્યા નથી. માર્ગમાં ખાડા-ખડબા હોય, તે વધારે પ્રમાણમાં ટેકરાવાળા અને ટેકરાવાળા માર્ગમાં ઓછા પ્રમાણમાં પાથરવામાં આવ્યા છે.
જે ડામર રોડ બનાવવામાં આવ્યો છે, તે રોડનું લેવલ કાઢવામાં આવ્યું નથી. ખાડા ખડબા વાળા વિસ્તારમાં નીચો અને ટેકરાવાળામાં ઊંચો માર્ગ બન્યો છે. જુના રોડ માથે નવા રોડનું પાતળું અને નાનું લેયર ચડાવવામાં આવ્યું છે.
ખંભાળિયાથી કલ્યાણપુર તાલુકાના જોડતો આ માર્ગ મહત્વનો હોય, અહીં ખાનગી કંપનીમાં તોતિંગ ટ્રક, ટ્રેલર વિગેરે ચાલતા હોવાથી વાહનોની અવરજવર વચ્ચે આવી નબળી ગુણવત્તાના માર્ગથી અકસ્માત થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ સહિતના મુદ્દે તંત્ર દ્વારા તાકીદે જરૂૂરી પગલાં લેવા અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આ પત્રમાં આપવામાં આવી છે.પત્રની નકલ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર, જિલ્લા પંચાયત પ્રમુખ વિગેરેને પણ મોકલવામાં આવી છે.