વ્યાજના વિષચક્રમાં ગરીબ પરિવાર હોમાયો, દંપતીનો બે બાળકો સાથે સામૂહિક આપઘાત
સાબરકાંઠામાં વડાલીના સગરવાસમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આર્થિક સંકળામણના કારણે શનિવારે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની ગંભીર અસરથી પતિ-પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હવે વધુ બે બાળકોના મોત થયા છે, જ્યારે દીકરીની ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સામૂહિક આપઘાતે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
વડાલી શહેરના સગરવાસમાં આવેલા બ્રહ્મપુરી વિસ્તારમાં રહેતા વિનુ સગર ઝુંડાળાએ તેમના પત્ની કોકીલાબેન પુત્રી ક્રિષ્ના ઉર્ફે ભૂમિબહેન અને પુત્ર નિરવ અને નરેન્દ્ર ઉર્ફે શંકરને શનિવારે વહેલી સવારે પોતાના ઘરે જંતુનાશક ઝેરી દવા પીવડાવીને પોતે ગટગટાવી સામૂહિક જીવનલીલા સંકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની ગંભીર અસરથી પતિ-પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હવે વધુ બે બાળકોના મોત થયા છે, જ્યારે દીકરી હજુ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સામૂહિક આપઘાતે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વ્યાજખોરોના ત્રાસથી પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનાને લઈને સગર સમાજમાં વ્યાપક રોષ ફેલાયો હતો.સમાજના લોકો મોટી સંખ્યામાં રવિવારે (13મી એપ્રિલ) વડાલી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા દોડી ગયા હતા. જે સમયે દંપતીના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ વડાલી આવતા મૃતદેહ પણ પોલીસ સ્ટેશન લાવ્યા હતા.
આ બનાવ અંગે કડક કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનને ઘેરાવ કરી લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવતા તંત્રમાં ફૂકડાટ વ્યાપી ગયો હતો.જોકે, પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની હૈયાધારણ આપતા મામલો શાંત પડયો હતો.