ભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયું
ગેનીબેનએ હસતા હસતા ટોણો માર્યો કે મારો આભાર માનો, મેં તમારા માટે કરી સીટ ખાલી બનાસકાંઠા જિલ્લામાં મંત્રી સ્વરૂપજીનું ભવ્ય સ્વાગત કરાયું
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળની બે દિવસ પહેલા રચના કરવામાં આવી છે. જેમાં વાવ બેઠક પરથી જીતેલા સ્વરૂૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં તેમના મત વિસ્તારમાં તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જોકે તેઓ જ્યારે ભાભર પહોંચ્યા ત્યારે તેમના ભવ્ય સ્વાગતની સાથે એક રાજકીય ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ભાભરમાં સ્વરુપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠોકર પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ કોંગ્રેસના સાંસદ છે અને ભાજપના ધારાસભ્યના સ્વાગતમાં હાજર રહેતા રાજકીય ચર્ચાઓ શરૂૂ થઇ ગઇ છે.
રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ સ્વરૂૂપજી ઠાકોર સૌપ્રથમવાર ભાભર પહોંચ્યા હતા, જ્યાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વિજય સરઘસ અને સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ જ સ્વાગત સમારોહ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સ્વરૂૂપજી ઠાકોરનું અભિવાદન કર્યું હતું.હસતા હસતા ગેનીબેનએ કહ્યું કે, ‘મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી તેના માટે.’ ગેનીબેનના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે કે આ નિવેદન પાછળ કયો રાજકીય ગર્ભિત અર્થ છુપાયેલો છે.
ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા બેઠક પર અગાઉ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતા. તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા, વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.વાવ-થરાદ જિલ્લાના આ નવા રાજ્યકક્ષાના મંત્રીના સન્માનમાં પાલનપુરના ચડોતર ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં ભવ્ય સમારોહ યોજાયો હતો.