અમૃતિયા અને ઇટાલિયા વચ્ચે રાજકીય હાકલા-પડકારાથી રાજકારણમાં ગરમાવો
રાજીનામા ફેંકવાના સામસામા પડકારા, મોરબીમાં ચૂંટણી લડવા બંન્ને રાજીનામા આપશે કે પાણીમાં બેસી જશે ?
મોરબીમાં ખરાબ રોડ પ્રશ્ને થયેલા જનઆંદોલનમાં હવે નવો રાજકીય વણાંક આવી રહ્યો છે. ગત રાત્રીના ધારાસભ્ય કાંતિલાલે એવું કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અહીં ચૂંટણી લડી બતાવે, હું રાજીનામુ ધરી દઈશ અને માથે રૂૂ.2 કરોડનું ઇનામ આપીશ. હવે ધારાસભ્યની આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધી છે.તો સામાપક્ષે કાંતિ અમૃતિયાએ પણ તા.12મીએ રાજીનામુ આપવાનો અને ચૂંટણી લડીલેવાનો પડકાર ફેંકતા રાજકારણ ગરમાયું છે.
ગોપાલ ઇટાલિયાએ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે મોરબીની જનતા જાગૃત થઈ એટલે ધારાસભ્યના પેટમાં નકલી તેલ રડાયું છે. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી રહી હતી. તો કોઈને તકલીફ ન પડી. જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે રોડ ખરાબ છે, ગટર ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિકની સમસ્યા છે. આવી અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું. તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું છે. 30 વર્ષ સુધી જ્યારે આ જ જનતાએ મત આપ્યા અને ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, ગલીગલીયા થય, ખુશ થયા, પણ હવે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાવા મુદ્દે રોડ ઉપર ખાડા મુદ્દે સવાલ કરે છે તો તમને હવે ગમતું નથી.
ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું કે ગઈકાલે મોરબીના ભાજપના ધારાસભ્યએ એવું કહ્યું કે ગોપાલ ઇટાલીયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલીયાને બે કરોડ રૂૂપિયા ઈનામમાં આપીશ. મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને હું સ્વીકારી લઉં છું. જો તમે સુરા હોય, મરદ માણસ હોય, જબાનના પાક્કા હોય તો તા.12ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દો. તો ગોપાલ ઈટાલીયા વટથી તમારી ચેલેન્જને સ્વીકારે છે. પણ શરત એક જ છે કે મોરબીના ધારાસભ્ય પાટીલ અંકલને પૂછવા ન જાય.
પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ન આપુ ? પ્લીઝ મને માફ કરો એવી વાતો કરવાની નહીં. તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય તો રાજીનામું આપી દેજો.અંતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તમારે ચેલેન્જ એ આપવી જોઈએ કે, 30 વર્ષ સુધી હું ધારાસભ્ય છું, તો મોરબીમાં આવીને કોઈ ખામી બતાવી દે, પણ તમે એવી ચેલેન્જ મારી ન શક્યા. કારણ કે તમને ખબર છે કામ તો કંઈ કર્યા નથી. લાતી પ્લોટ, પંચાસર રોડ, ઉમિયા સોસાયટી, સરદાર પટેલ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં તમારે મને ચેલેન્જ મારવી પડે છે તે જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. આ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે હું રાજકારણમાં 1982થી છું. સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો અને કામ કરવાનો મારો સ્વભાવ છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી મોરબીમાં વરસાદને લઈને જે થયું ત્યારે સોમ-મંગળ હું ગાંધીનગર હતો. મોરબીની પ્રજા સમક્ષ પહેલા હું માફી માંગુ છું.
ખાડા, ગટર ઉભરાવવા, પાણી ભરાઈ જવા સહિતના કામ તાત્કાલિક ચાલુ કરી દીધા છે. ગાંધીનગરથી હું જોતો હતો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનો ધંધો કરે છે. એક વિસાવદરની સીટ આવી ત્યાં તો ગોપાલભાઈ આવશે, અહીં ગોપાલભાઈ વાળી થશે તેવી વાતો થવા લાગી.ધારાસભ્યએ ઉમેર્યું કે બે વર્ષથી હું જોઉં છું. ગોપાલભાઈ હીરાબા વિશે જેમતેમ બોલ્યા, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ વિશે બોલ્યા હતા. તમામ નેતા વિશે બોલે છે. હવે તમે અધ્યક્ષ પાસે આવતા સોમવારે આવો, આપણે બેય રાજીનામું આપી દઈએ. પછી ચૂંટણી આવશે એટલે આપણે બેય મોરબીથી ચૂંટણી લડીશું. આપણા કાર્યકર્તાઓ વિસાવદરથી ચૂંટણી લડશે.
1998માં હું મોરબીના યાર્ડ માટે બોલ્યો હતો કે આ જમીન નહિ જવા દવ. મે બોલેલું પાળી જમીન ન જવા દીધી. મોરબીના કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો છે તમે આવો અને આમ આદમી પાર્ટીના ભારતના બધા નેતા આવે. આપણે ચૂંટણી લડી લઈએ. જો હું હારીશ તો રૂૂ.2 કરોડ આપીશ. એક સીટ આવી છે તેમાં તો આમ આદમી પાર્ટીએ આખા દેશમાં ઉપાડો લીધો છે. ગોપાલભાઈ આમ ગોપાલભાઈ તેમ...ગોપાલભાઈ કાંઈ સાવજ થોડા છે.
મોરબીના રસ્તાઓ પ્રશ્ર્ને કોંગ્રેસ પણ મેદાને, સોમવારે હલ્લાબોલ
મોરબીમાં હાલ રોડ-રસ્તા સહિતની પાયાની સુવિધાઓ માટે જનઆંદોલનની મોસમ ખીલી હોય તેમ લોકો પોતાના હક્કની સુવિધાઓ માટે રસ્તા ઉપર ઉતરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસે પણ આગામી સોમવારે મહાપાલિકા કચેરીનો ઘેરાવ કરવાનું એલાન આપી સ્થાનિકોને પણ તેમાં જોડાવા આહવાન કર્યું છે. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે મોરબીના લાતી પ્લોટ, આલાપ રોડ, શ્રી કુંજ સોસાયટી, મહેન્દ્રનગર, ઇન્દીરાનગર, એલઇ કોલેજ રોડ આવા મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. લોકોનો આત્મા જાગ્યો હોય લોકો રસ્તા ઉપર આવી ગયા છે. રોડ ઉપર મોરમ નાખી હાલ કામ થઈ રહ્યું છે પણ બે ઇંચ વરસાદમાં બધું ફરી ધોવાઈ જશે. મોરબીની જનતા કરોડોનો ટેક્સ આપે છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવામાં મહાપાલિકા નિષ્ફળ નીવડી છે. પ્રજાના હક્ક માટે કોંગ્રેસ લડાઈનું મંડાણ કરી રહી છે. હવે શહેરના પ્રાણ પ્રશ્નોને લઈને સોમવારે કોંગ્રેસ દ્વારા મહાપાલિકા કચેરીનો ઘેરાવનો કાર્યક્રમ કરવામાં આવશે. આ માટે સવારે 11 કલાકે ગાંધી ચોક ખાતે ભેગા થવાનું રહેશે. જે વિસ્તારમાં પ્રશ્નો હોય ત્યાંના સ્થાનિકો પણ આ કાર્યક્રમમાં જોડાઈ તે માટે આહવાન છે.