ગાંધીનગરમાં રાત આખી ચાલ્યો રાજકીય ડ્રામા
મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની મુલાકાત રાત્રે રદ થતા અટકળો અને અનુમાનોને બળ મળ્યું
ધારાસભ્યો સવાર સુધી ફોન રણકવાની રાહ જોઇને બેસી રહ્યા, પણ કોઈને કોલ આવ્યા નહીં
અમિત શાહે ગુજરાતનો પ્રવાસ એક દિવસ મોડો થતાં કંઇક રંધાયું હોવાની શંકા, લોબિંગના કારણે યાદીમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયા?
ગુજરાતના પ્રધાનમંડલના આજે વિસ્તરણ પૂર્વે ગાંધીનગરમાં રાત ભર રાજકીય ડ્રામા ચાલુ રહ્યો હતો અને ભાજપના નેતાઓ તથા ધારાસભ્યોના મીટીંગ સીટીંગ વચ્ચે સવાર સુધી પ્રધાનમંડળનું આખરી લિસ્ટ જાહેર કરી શકાયું ન હતું અને સીધું મંત્રીમંડળના વિતરણ પૂર્વે જ નવાપ્રધાનોના નામ જાહેર કરી શકાય હતા. ભાજપમાં વર્ષો પછી પ્રથમ વખત ગાંધીનગરમાં આવી રાજકીય ખેંચતાણ જોવા મળી હતી.
ગઈકાલે સાંજે નવા પ્રધાનોનું લીસ્ટ લગભગ ફાઈનલ થઇ ગયું હતું અને રાત્રે 9:30 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલને નવા મંત્રીમંડળનું લિસ્ટ સોંપનાર હતા પરંતું રાત્રે અચાનક જ દિલ્હીથી હાઈ કમાન્ડનો કોલ આવી જતા સમગ્ર પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આજનો કાર્યક્રમ પણ રાત્રે જ રદ જાહેર કરાતા ગાંધીનગરમાં કંઈક રાજકીય ગરબડ ચાલી રહી હોવાની ચર્ચાઓએ રાત્રે જોર પકડ્યું હતું પરંતુ અમિત શાહ આજે સાંજે આવી રહ્યા હોવાના સમાચાર મળી રહયા છે.
ભાજપમાં પ્રથમ વખત મંત્રીમંડળ માટે લોબિંગ શરૂૂ થયાની વાત બહાર આવતા ભારે ચકચાર જાગી છે. જે ધારાસભ્યોના પ્રધાનમંત્રીમાં નામો ફાઈનલ મનાતા હતા તેઓ તેમજ જે ધારાસભ્યોને નસીબ જોબ લાલ લાઇટની લોટરી લાગવાની ઊંડે ઊંડે અપેક્ષા હતી તે જ તમામ ધારાસભ્યો રાતભર સારા સમાચારની અપેક્ષાએ ટેકેદારો સાથે ટોળે વળીને ફોન આવવાની રાહ જોઈને બેઠા રહ્યા હતા પરંતુ રાત્રે રાજકીય કોકડું ગૂંચવાતા સવારે 8:00 વાગ્યે પણ કોઈ કોલ આવ્યા ન હતા જેના કારણે આશાવાદી ધારાસભ્યો નિરાશ જોવા મળ્યા હતા સાથોસાથ ટેકેદારોમાં પણ ભારે ઉત્કંઠા જોવા મળતી હતી ખાસ કરીને મુખ્યમંત્રીએ રાજ્યપાલનો રાત્રે 9:30 વાગ્યાનો સમય લીધા બાદ મુલાકાત રદ કરતા ગાંધીનગરમાં રાજકીય અટકળો અને અનુમાનોની આંધી ઉઠી હતી.
સૂત્રોના કહેવા મુજબ રાત્રે જે લિસ્ટ બનાવવામાં આવ્યું હતું તે લિસ્ટમાં દિલ્હીથી કોલ આવ્યા બાદ ફેરફારો કરવામાં આવ્યા છે અને કેટલાક સિનિયર પ્રધાનો ના જે સંભવિત કપાનાર મંત્રીઓના લિસ્ટમાં નામ હતા તેના નામ અચાનક ફરી શપથ લેનાર પ્રથાનોના લિસ્ટમાં પણ ચડી ગયા હતા જ્યારે આ જૂનાપ્રધાનોને સાચવવા માટે કેટલાક નવા ધારાસભ્યોના નામ ઉપર છેલ્લી ઘડીએ કાતર ફેરવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમિત શાહે ગુજરાતનો પ્રવાસ રદ કરી નાખતા રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે અને આખી રાત ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપરાંત મહામંત્રી રત્નાકર પાંડે તથા નવા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ વચ્ચે મીટીંગનો દોર ચાલુ રહ્યો હતો અને મુખ્યમંત્રી નિવાસ રાત આખી ધમધમતું જોવા મળ્યું હતું. ગાંધીનગરમાં શપથવિધિના અડધો કલાક પહેલા પણ ભારે રાજકીય ગરમાવો અને ઉત્કંઠા જોવા મળી રહ્યા હતા