For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-ભાવનગર હાઈ-વે પર અંતે પોલીસના ઉઘરાણા બંધ

04:32 PM Jul 18, 2025 IST | Bhumika
રાજકોટ ભાવનગર હાઈ વે પર અંતે પોલીસના ઉઘરાણા બંધ

35 ગામના લોકોની ઉગ્ર રજૂઆત અને આંદોલનની ચિમકી બાદ ટ્રાફિક પોઈન્ટ હટાવાયા

Advertisement

રાજકોટ ભાવનગર હાઈ-વે પર પોલીસના ઉઘરાણાથી 35 જેટલા ગામના લોકો ભારે હેરાન થઈ રહ્યા હતાં. આજી ડેમ ચોકડીથી હેલેન્ડા ગામ સુધીના વિસ્તારમાં આવતાં ગામોના લોકો પોલીસની હપ્તાખોરીથી ત્રાહીમામ પોકારી ગયા હતાં. જે અંગે વિવિધ ગામોના સરપંચો અને જિલ્લા ભાજપ દ્વારા ટ્રાફીક ડીસીપીને ઉગ્ર રજૂઆત કરી પોલીસની હેરાનગતિ બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેે રજૂઆતને પગલે પોલીસ દ્વારા અંતે રાજકોટ ભાવનગર હાઈવે પર ઉઘરાણા બંધ કરવામાં આવતાં 35 ગામના લોકોને રાહત મળી છે.

રાજકોટ-ભાવનગર હાઈવે પર આવતાં આજી ડેમ ચોકડીથી કાળીપાટ ગામના પાટીયા સુધીના આઠ કિલોમીટર સુધીના ટ્રાફીક પોલીસ દ્વારા ત્રણ ત્રણ જગ્યાએ ચેકીંગના નામે આડેધડ ઉઘરાણા કરવામાં આવતાં હોવાથી 35 જેટલા ગામ લોકોમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો.

Advertisement

ટ્રાફીક પોલીસની ખોટી કનગડતથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા હતાં. ટ્રાફીક નિયમનના નામે પોલીસ દ્વારા કોઠારીયાથી ખોખડદળ, કસ્તુરબા ધામથી હેલેન્ડા વચ્ચે ચેકીંગના નામે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવે છે. જે અંગે 35 જેટલા ગામના સરપંચો અને તાલુકા ભાજપના સભ્યો દ્વારા ટ્રાફીક ડીસીપી પૂજા યાદવને આવેદનપત્ર પાઠવી ટ્રાફીક પોલીસની હેરાનગતિ સામે ઉગ્ર રજૂઆત કરી આગામના ખેડૂતો અને મજુરો પાસેથી આડેધડ કરવામાં આવતાં ઉઘરાણા બંધ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત તાકીદે રાજકોટ-ભાવનગર હાઈવે પર વાહન ચાલકોને થતી હેરાનગતિ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ઉપરોકત રજૂઆતને પગલે ટ્રાફીક પોલીસ દ્વારા ભાવનગર ચોકડીથી શુભમ ચોકડી અને ખોખડદળના ટ્રાફીક પોઈન્ટને તાત્કાલીક હટાવી લેવામાં આવ્યા છે. આમ ગામ લોકો અને તાલુકા ભાજપની સફળ રજૂઆતને પગલે રાજકોટ-ભાવનગર હાઈવે પર પોલીસના ઉઘરાણા બંધ થતાં 35 જેટલા ગામના લોકોને રાહત થઈ હતી. જેથી ગામ લોકોએ તાલુકા ભાજપનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement