NOC ન મળતા સદરની ફટાકડા બજાર પોલીસે બંધ કરાવી
ફાયર વિભાગ તરફથી દિવાળીના ત્રણ દિવસ પૂર્વે પણ NOC નહીં અપાતા મંજુરી વિના ચાલતી તમામ દુકાનો બંધ કરાવતા દેકારો
રાજકોટ શહેરમાં સદર બજારમાં ફટાકડા બજાર આવેલી હોય અને ફટાકડા વિક્રેતાઓને લાયસન્સ અને મંજુરી લેવી ફરજિયાત હોય ત્યારે દિવાળીના ત્રણ દિવસ પૂર્વે પણ હજુ સુધી ફટાકડાના વિક્રેતાઓએ ફાયર વિભાગનું એનઓસી લીધું ન હોય જે કારણે ગઈકાલે સાંજે પ્ર.નગર પોલીસે કરેલા ચેકીંગમાં મોટાભાગની ફટાકડાની દુકાનો એનઓસી વગર ચાલતી હોવાનું સામે આવતાં આ તમામ દુકાનો પોલીસે બંધ કરાવી દીધી હતી. જેને પગલે ફટાકડાના વેપારીઓમાં દેકારો મચી ગયો હતો. દર વર્ષે પોલીસનાલાયસન્સ બ્રાંચ મારફતે ફટાકડા વેચાણની મંજુરી કે લાયસન્સ આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે સ્થાનિક પોલીસ સ્ટેશનને આ જવાબદારી સોંપવામાં આવીહોય જેમાં લાયસન્સ વિનાની અનેક દુકાનોમાં ફટાકડાનું વેચાણ થતું હોય ત્યારે પોલીસે આ દુકાનો બંધ કરાવી હતી.
એક તરફ લાયસન્સ વગર ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટે પણ જે તે વખતે સુચના આપી હોય અને તેનું ચેકીંગ અને અમલ કરાવવા માટેની જવાબદારી પોલીસને સોંપી હતી ત્યારે રાજકોટ શહેરમાં નાના મોટો અનેક ફટાકડાના વિક્રેાઓ છે તેમજ હાલ મહાનગરપાલિકાના પ્લોટમાં પણ ભાડે પ્લોટ રાખીને ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. દિવાળીનાં 15 દિવસ પૂર્વે શહેરમાં નાના મોટા 500થી વધુ ફટાકડાના વેપારીઓ ફટાકડાનું વેચાણ કરે છે. બીજી તરફ છેલ્લા બે વર્ષથી જ્યારે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બની ત્યારથી ફટાકડાના વેચાણને લઈને રાજ્ય સરકારે નિયમો કડક બનાવ્યા હતાં અને ત્યારબાદ ડીશામાં ફટાકડાની ફેકટરીમાં બનેલી આગની ઘટના બાદ સરકારે ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરતાં વિક્રેતાઓ અને વેપારીઓ માટે નિયમનું ચુસ્ત પાલન કરવા અને જરૂરી મંજુરીઓ વિના ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.
રાજકોટ શહેરમાં ફટાકડાના વેચાણ માટેની સૌતી મોટી બજાર ગણાતી સદર બજારમાં નાની મોટી 70 થી વધુ દુકાનો આવેલી છે જે ફટાકડાનું વેચાણ કરે છે. આ વિક્રેતાઓને ફાયર વિભાગનું એનઓસી મેળવી અને જરૂરી પુરાવા અને મંજુરી સાથે તા.8-10 સુધીમાં મંજુરી માટેની અરજીઓ જે તે પોલીસ સ્ટેશનમાં કરવા માટે પોલીસ કમિશ્નર દ્વારા સુચના આપવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે સાંજે એટલે કે 16/10 સુધી સદર બજાર સહિત શહેરમાં ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓને ફાયર વિભાગ તરફતી એનઓસી નહીં મળતાં આવા ફટાકડાના વિક્રેતાઓને ત્યાં પોલીસે ચેકીંગ કર્યુ હતું. સદર બજારમાં જ આવેલી ફટાકડા બજાર ગઈકાલે સાંજથી પોલીસે જેની પાસે મંજુરી ન હતી તે તમામ દુકાનો બંધ કરાવી હતી. મોટાભાગની દુકાનોમાં એનઓસી અને મંજુરી ન હોય પોલીસે ફટાકડા બજાર બંધ કરાવી દેતાં દેકારો મચી ગયો હતો.
બે વેપારી વચ્ચેના આંતરિક વિવાદમાં પોલીસ વડાને થયેલી ફરિયાદ બાદ એકશન લેવાયા
સદર બજારમાં પોલીસે ચેકીંગ કરી અને ફટાકડાના વેપારીઓ પાસે જરૂરી મંજુરી ન હોય જેથી દુકાનો બંધ કરાવતાં દેકારો મચી ગયો હતો. આ ચેકીંગ પાછળનું કારણ એવું છે કે શહેરમાં સદર બજારમાં આવેલ એક વેપારીને અન્ય એક વેપારી સાથે કોઈ અંગત કારણોસર માથાકુટ થતાં બન્ને વચ્ચેના વિવાદમાં એક વેપારીએ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ટવીટ કરીને સદર બજારમાં મંજુરી વગર ફટાકડાનું વેચાણ થતું હોવાની ફરિયાદ કરતાં આ મામલે રાજ્ય પોલીસ વડાએ ચેકીંગ કરવા સુચના આપી હતી અને પ્ર.નગર પોલીસ એકશનમાં આવી હતી અને જેના કારણે સદર બજારની ફટાકડાની બજાર પોલીસે સાંજે બંધ કરાવી દીધી હતી.