પોલીસ પરના હુમલા સહિત ડઝન ગુના આચરનાર પ્રતિકનું સરઘસ કાઢવામાં પોલીસે લાજ કાઢી
તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવુ જણાવ્યુ હતુ કે ગુજરાત પોલીસે નકકી કર્યુ છે કે રાજયમાં સામાન્ય નાગરીકોને જો કોઇ અસામાજીક તત્વો કે ટપોરીઓ હેરાન પરેશાન કરે તો તેમનો વરઘોડો કાઢવામાં આવશે જ. આમ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઇએ.
રાજયના નાગરીકની શાંતિ, સલામતી અને સુરક્ષાની જવાબદારી પોલીસની છે. તેમજ સામાન્ય નાગરીક પ્રત્યે પોલીસ દ્વારા વ્યવહારીક વર્તન થાય તે ખુબ જ જરૂરી છે.
ત્યારે રાજકોટ શહેરમાં બે અલગ અલગ ઘટનામાં પોલીસે પ્રથમ ગુનો આચરનાર એક યુવાનનો જાહેરમાં વરઘોડો કાઢયો હતો અને બીજી ઘટનામાં અગાઉ પોલીસ પર હુમલા સહીત 30-30 ગુના આચરનાર નામચીન પ્રતિક ચંદારાણા સામે પોલીસની કામગીરી સાવ ઢીલી પડી ગઇ હતી.
ત્યારે પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે લાલપરી પાસે રહેતો પરિવાર પાસેથી નામચીન અને કુખ્યાત ગણાતા પ્રતિક ચંદારાણા એ જેલનો તેમનો ઘર ખર્ચના પૈસા માંગી પરિવાર પર હુમલો કર્યો હતો જેમા માતા-પુત્ર સહીત 3 લોકો ઘવાયા હતા.
આ ઘટનામાં બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી ગઇકાલે રાત્રીના સમયે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે સામાકાંઠાના નામચીન ગણાતા પ્રતિક ચંદારાણાનો વરઘોડો કાઢવાને બદલે પોલીસે તેમની સામે કામગીરી સાવ ઢીલી મુકી દીધી હતી અને પીઆઇ સુધિર રાણે એ પ્રતિક ચંદારાણા વિરૂધ્ધ સામાન્ય ગુનો હોવાનુ જણાવ્યુ હતુ.
ત્યારે હાલ લોકોમાં એવુ ચર્ચાઇ રહયુ છે કે પોલીસ પ્રતિક ચંદારાણા વિરૂધ્ધ કેમ કડક કાર્યવાહી કરતી નથી ? શું આરોપી પ્રતિક પોલીસને આર્થિક રૂપે મદદરૂપ થાય છે ?
તેમજ બીજી ઘટનામાં ખત્રીવાડમાં વાહન ચલાવવા મામલે એક યુવાન પર રીક્ષા ચાલકે હુમલો કર્યો હતો અને તેમને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ પીઆઇ બારોટની રાહબરીમાં જાહેરમાં વરઘોડો કાઢી વિસ્તારમાં ધાક બેસાડી હતી. જો આવા નામચીન પ્રતિક ચંદારાણા જેવા શખ્સોને પોલીસનો ખોફ નહી રહે તો સામાન્ય માણસો પર હુમલાઓ વધતા જશે તેવી ચર્ચાએ પણ જોર પકડયુ છે.