તરણેતરમાં કેન્દ્રીય મંત્રીની હાજરીમાં યોજાતા બાળલગ્નમાં પોલીસ ત્રાટકી
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે આજે ચુવાડિયા કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમૂહ લગ્નમાં કેન્દ્રના મહિલા બાળ વિકાસ મંત્રી પણ હાજર હતા અને તેમની હાજરીમાં આ સમૂહ લગ્નમાં બાળવિવાહ થતા હોય તેવી માહિતી અભયમની ટીમને મળતા સમાજ કલ્યાણ વિભાગ, પોલીસ સહિતનો કાફલો સમૂહ લગ્નમાં દોડી ગયો હતો અને આ બાળ વિવાહ અટકાવતા જાન લીલાતોરણે પરત ફરી હતી.
અલગ અલગ સમાજ દ્વારા તેમના સમાજના નબળા પરિવારો માટે સમૂહ લગ્નનું આયોજન કરાઈ છે. તે એક ગર્વની બાબત કહેવાય, પરંતુ આ સમૂહ લગ્નમાં બાળવિવાહ તો થતા નથી ને તેની ચકાસણી કરવી સમાજના મોભીઓની પહેલી જવાબદારી હોય છે. જે સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તે સંસ્થાએ વર ક્ધયા બંનેના ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની હોય છે અને તે ચકાસણી દરમિયાન જો બંનેમાંથી કોઈ પણ એકની ઉંમર નાની જણાય તો તેને સમૂહ લગ્નમાં પ્રવેશ અપાતો નથી સાથે તેના માતા પિતાને પણ સમજાવવામાં આવે છે કે બાળ વિવાહના કરો. છતાં પણ માતા-પિતા તેના સંતાનોને નાની ઉંમરમાં પરણાવી દે છે.આજરોજ ચુવાળીયા કોળી સમાજ દ્વારા સુરેન્દ્રનગરના તરણેતર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં મહેમાન તરીકે મહિલા બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાને બોલાવવામાં આવ્યા હતા ત્યારે આ સમૂહ લગ્નમાં એક ક્ધયાની ઉંમર નાની હોય તેવી માહિતી સુરેન્દ્રનગરની અભયમ ની ટીમને મળતા તેઓએ તુરંત સમાજ કલ્યાણ વિભાગને જાણ કરી હતી આથી આ વિભાગે પોલીસ અને અભયમ બંનેની ટીમને સાથે રાખી તરણેતર ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નમાં ખાબક્યા હતા. ત્યાં જોતા રાજ્ય કક્ષાના મંત્રી પણ હાજર હોય છતાં તેઓએ કાર્યવાહી ચાલુ રાખી હતી અને માહિતી મુજબ મંડપ ખાતે જઈ વર ક્ધયા બંનેના ડોક્યુમેન્ટની ચકાસણી કરી હતી ત્યારે ક્ધયાની ઉંમર નાની હોય તેના બાળ વીવાહ થતા હોવાનું નજરે પડયું હતું. આથી આ બાળ વિવાહ અટકાવવામાં આવ્યા હતા. તે જોઈ આ કાર્યક્રમમાં હાજર મંત્રી મુંજપરા પણ થોડીવાર માટે ક્ષોભમાં મુકાઈ ગયા હતા.આમ હજુ મંડપ ખાતે માત્ર ફૂલહારની વિધિ થઈ હતી. મંગળસૂત્ર, સિંદૂર અને ફેરા ની વિધિ બાકી હોવાથી લગ્ન અટકાવતા બાળાને પરણવા આવેલી જાન લીલા તોરણે પાછી ફરી હતી.