દાહોદની પીડિતાને પોલીસે ખોલી આપી ‘આત્મગૌરવ શાકભાજીની દુકાન’
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલ શર્મનાક બનાવમાં ભોગ બનનારી મહિલાને પુન: આત્મનિર્ભર બનાવવા દાહોદ પોલીસની મદદથી આત્મગૌરવ શાકભાજીની દુકાન શરૂૂ કરાવી છે.સંજેલી તાલુકાના ઢાળા સીમલ ગામે બનેલ પરિણીતાને અર્ધનગ્ન કરી ગામમાં વરઘોડો કાઢવાના અત્યંત ધૃણાસ્પદ બનાવમાં પોલીસે 48 કલાકમાં તમામ આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા હતા અને તેમની શાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
તેમજ મહિલાની આબરૂૂને ઠેસ ન પહોંચે તે માટે તાત્કાલિક અસરથી આઇટી એક્ટનો ઉમેરો કરી સમગ્ર વીડિયોને વાયરલ થતા રોક્યો હતો.
એટલું જ નહીં, ભોગ બનનાર મહિલા સમાજમાં સ્વમાનભેર જીવી શકે એટલા માટે દાહોદ પોલીસે તેનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવી મહિલાને આત્મસન્માન પ્રાપ્ત થાય તે દિશામાં સરાહનીય કાર્ય કર્યું છે. પીડિત મહિલાના પિયર ફતેપુરા ખાતે આત્મગૌરવ શાકભાજી નામક દુકાન શરૂૂ કરી આપવામાં આવી છે.અત્યાચારનો ભોગ બનેલી મહિલાને ફતેપુરા ખાતે દુકાન શોધી દુકાનનો 11 માસનો કરાર પણ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે 11 માસનું ભાડું પણ પોલીસે સ્વભંડોળમાંથી એડવાન્સમાં આપી દેવામાં આવ્યો છે. આ મહિલાને એક મહિનો ચાલે તેટલો સરસામાન પણ પોલીસે ભરી આપેલ છે.
એટલું જ નહીં, હોલસેલના વેપારીઓ દ્વારા આ મહિલાને 25% માલસામાનની ખરીદીમાં ડિસ્કાઉન્ટ આપવાનું પણ પોલીસ દ્વારા જણાવતા વેપારીઓએ તૈયારી બતાવી છે. આ મહિલાના આત્મગૌરવને પુન: પ્રાપ્ત કરાવવા સહકાર આપવા વિનંતી પણ કરેલ છે. પોલીસ કર્મીઓને આ મહિલા પાસેથી જ શાકભાજી ખરીદવા માટે આગ્રહ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે, મહિલાની દુકાનમાં લાગેલા CCTV કેમેરાનું મોનિટરિંગ પોલીસ દ્વારા કરવામાં આવશે. SHE ટીમ વિકલી મુલાકાત લેશે. ફતેપુરાની પોલીસની SHE ટીમ મહિલાની વ્હારે રહી સતત તેનું મોનિટરિંગ પણ કરનાર છે. એટલું જ નહીં, પીડિત મહિલા સમાનભેર સમાજમાં રહી શકે અને અન્ય કોઈ ઇસમો કે અસામાજિક તત્વો તેને હેરાન ન કરે તે માટે દાહોદ પોલીસે દુકાન ઉપર સીસીટીવી કેમેરા ઉપર લગાવ્યા છે અને આ કેમેરાનું સીધું મોનિટરિંગ ફતેપુરા પોલીસ કરશે.