શાપર-વેરાવળ અને જેતપુરમાંથી ગુમ થયેલ ચાર બાળકો અને યુવતીને પોલીસે શોધી કાઢ્યા
પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાર્થક કરતી શાપર અને જેતપુર પોલીસ
પોલીસ પ્રજાની મિત્ર છે તે સુત્ર જેતપુર અને શાપર વેરાવળ પોલીસે સાર્થક કર્યું છે. એક જ દિવસમાં ગુમ થયેલા ચાર બાળકો અને યુવતીને શોધી કાઢી તેનો પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
મળતી વિગતો મુજબ, શાપર-વેરાવળમાં એક જ દિવસમાં ચાર બાળકો ગૂમ થયા હતાં. કોટડાસાંગાણીના પડવલા ગામે રહેતા મુન્નાભાઈ નન્હકભાઈ મહતોના સગીર વયનો 8 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી ગુમ થયા હતાં. જે અંગે શાપર વેરાવળ પોલીસે જાણ કરવામાં આવતાં અલગ અલગ ટીમો બનાવી 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી 40 લોકોની ગુમ થયેલા બાળકો બાબતે ફોટા બતાવી પુછપરછ કરીને શાપર-વેરાવળ નજીકથી આ બન્ને બાળકોને શોધી કાઢી તેને પરિવારને સોંપવામાં આવ્યા હતાં.
બીજા કેસમાં શાપર-વેરાવળની બુધવારી બજારમાં ભીડમાં ગોંડલના નરશુબેન પ્રકાશભાઈ હિંગાડીયાનો પાંચ વર્ષનો પુત્ર વિખુટો પડી ગયો હતો. જે અંગે શાપર-વેરાવળ પોલીસને જાણ કરતાં શાપર-વેરાવળ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી નરશુબેનના પુત્રને શાપર-વેરાવળ મચ્છી માર્કેટ પાસેથી શોધી તેના પરિવારને સોંપ્યો હતો. શાપર-વેરાવળ પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણા અને તેમની ટીમે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે સુત્ર સાર્થક કર્યુ હતું. જ્યારે જેતપુરના પીપળવા ગામે રહેતી હેતલબેન રમેશભાઈ વાઘેલા નામની 18 વર્ષિય યુવતી પોતાના ઘરેથી ગત તા.2/6નાં રોજ ગુમ થયા અંગેની પોલીસમાં જાણ કરવામાં આવી હોય જેતપુરના પીઆઈ એ.એમ.હેરમા અનેં તેમની ટીમે તપાસ કરીને હેતલબેનને શોધી કાઢી પરિવારને સોંપી હતી.