તહેવારોની મોસમમાં પોલીસની સઘન ટ્રાફિક ડ્રાઇવ, અનેક લોકો દંડાયા
જામનગર શહેરમાં ચાલી રહેલા શ્રાવણ મહિનામા તહેવારોની મોસમમાં શાંતિ અને સલામતી જાળવવા માટે સિટી-સી પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ જાહેર સ્થળો પર સઘન ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો, ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવતા નુકસાનકારક તત્વો પર કડક નજર રાખી છે. વાહન ચાલકોના લાઇસન્સ અને વાહનોના દસ્તાવેજોની ચકાસણી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ડ્રાઇવમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવતા બાળકો અને રોમિયોગીરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.આ કાર્યવાહી સીટી સી ડીવીજનના પોલીસ ઇન્સ્પેકટર જે.વી. ચૌધરીની રાહબારી હેઠળ પોલીસે અનેક સંખ્યામાં વાહનોને ડીટેઇન કરીને હાજર દંડ ફટકારીને કાયદાનું કડક અમલ કર્યું છે. આ પ્રકારની ડ્રાઇવથી શહેરના નાગરિકોમાં સુરક્ષાની અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જાગૃતિ ફેલાઈ છે.