રાજકોટ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેકટર વાય.બી.જાડેજાની પણ અચાનક બદલી
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં બદલીનો દૌર ચાલી રહ્યો છે જેમાં અગાઉ રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતાં પીઆઈ બી.ટી.ગોહિલની સિંગલ ઓર્ડરથી અમદાવાદ ગ્રામ્ય ખાતે બદલી કરી નાખ્યા બાદ ગઈકાલે રાત્રે ઓચિંતા જ ગૃહ વિભાગ દ્વારા ક્રાઈમ બ્રાંચના મુખ્ય પીઆઈ વાય.બી.જાડેજાની અચાનક અમદાવાદ ખાતે બદલી કરી નાખવામાં આવતાં પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.
લોકસભાની ચૂંટણી અંતર્ગત જે તે પોલીસ અધિકારી પોતાની ફરજના સ્થળે ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં આવા અધિકારીઓની ચૂંટણી પંચના આદેશથી બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો. જેમાં અગાઉ રાજકોટ શહેરના પીઆઈ જે.ડી.ઝાલા, એલ.એલ.ચાવડા, કે.જે.રાણા, મનીષ નકુમ અને ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.ટી.ગોહિલની બદલી કરી નાખવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચના સેક્ધડ પીઆઈ બી.ટી.ગોહિલની સિંગલ ઓર્ડરથી અમદાવાદ ગ્રામ્ય ખાતે બદલી કરી નાખ્યા બાદ ગઈકાલે રાત્રે ઓચિંતા જ ક્રાઈમ બ્રાંચના ફર્સ્ટ પીઆઈ વાય.બી.જાડેજાની અચાનક અમદાવાદ સી.ડી.ઓ. કચેરી ખાતે બદલી કરતો હુકમ કરવામાં આવ્યો છે અને તાત્કાલીક છુટા થઈ બદલીના સ્થળે હાજર થવા હુકમ થયો છે.
ક્રાઈમ બ્રાંચના ફર્સ્ટ પીઆઈ વાય.બી.જાડેજાને હજુ રાજકોટ શહેરમાં ત્રણ વર્ષ પૂર્ણ નથી થયા ત્યાં અમદાવાદ ખાતે બદલી કરી નાખવામાં આવતાં પોલીસ બેડામાં તરહતરહની ચર્ચા ચાલી રહી છે. જો કે વાય.બી.જાડેજાની બદલી કયાં કારણોસર થઈ તે અંગે કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી પરંતુ જાહેર હિત ખાતર તેમની બદલી કરી નાખતો હુકમ સિંગલ ઓર્ડરથી કરવામાં આવ્યો છે.