સુરતમાં પોલીસ રિહર્સલ વખતે વચ્ચે આવી ગયેલા બાળકને વાળ ખેંચીને માર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચના રોજ ગુજરાતના સુરતની મુલાકાત લેશે. જેને લઈને પોલીસ અને વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. ત્યારે સુરત પોલીસની નિર્દયતાભરી કરતૂતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પીએમ મોદીના કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એક બાળક ભૂલથી રોડ સાયકલ લઇને રોડ પરથી પસાર થવા લાગે છે, ત્યારે એક પોલીસકર્મી દ્વારા બાળકને વાળ ખેંચી માર મારવામાં આવે છે. આ ઘટનાને લઇને લોકોમાં ભારે રોષની લાગણી અને નારાજગી પ્રવર્તી રહી છે.
આ ઘટનાને લઇને હિતેશ બી જાસોલિયા નામના સામાજિક કાર્યકરે ડી.જી.પી. અને ગૃહમંત્રીને ઇમેલ કરી જણાવ્યું હતું કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે તારીખ 7 માર્ચ 2025 ના રોજ ભારત દેશના વડાપ્રધાન સુરત આવી રહ્યા છે, ત્યારે તેના પ્રોટોકોલ મુજબ સુરત પોલીસ રીહર્સલ કરી રહી હતી. આ દરમિયાન કોઈ એક બાળક સાયકલ લઈને તે રોડ પર ભૂલમાં પસાર થઈ થયો હતો.
તે દરમિયાન હાજર પોલીસ દ્વારા બાળકને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ રીતે કાયદાનું ઉલંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.