ગૃહમંત્રીની કચ્છ મુલાકાતને પગલે આડેસરની ઘટના પોલીસે છુપાવી : કોંગ્રેસનો આક્ષેપ
મિરઝાપર,ભુજ અને તાજેતરની આડેસર ગામની સગીર દલિત યુવતી પર બળાત્કારની ઘટનાને પગલે ફીટકાર વરસી રહ્યો છે. કચ્છમાં પંદર દિવસમાં સતત ત્રીજી ઘટના અને ગુજરાતમાં દશ જેટલી બળાત્કારની ઘટનાઓ છતા સરકાર ચૂપ હોવાનો આક્ષેપ કચ્છ કોંગ્રેસે કર્યો છે. કચ્છનું પોલીસતંત્ર આવી ઘટનાઓમાંથી ક્યારે પણ બોધપાઠ લેતું નથી તેવા આક્ષેપ સાથે કચ્છ કોંગ્રેસે આજરોજ પત્રકાર પરિષદ બોલાવી હતી.
પોલીસ કાર્યવાહી- તપાસ અને ધરપકડમાં વિલંબ કરી આરોપીઓ નરાધમોને પૂરતો સમય આપી રહેલ છે તપાસમાં ત્રુટીઓ રાખીને તમામ આરોપીઓ નિર્દોષ છુટી જાય છે તેનું નલિયા સામૂહિક બળાત્કાર કાંડ શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી અંજલિ ગોરે જણાવ્યું હતું. વર્ષ 2021 થી ત્રણ વર્ષના ભાજપના રાજમાં ત્રણ વર્ષમાં 6,524 બળાત્કારની અને 3,527 છેડતીની ઘટનાઓ છતાં ગુજરાતમાં એકે આરોપી કે નરાધમોને ફાંસી કેમ નહીં?
કુલ પોલીસ ચોપડે ગુજરાતમાં 12446 કેસ નોંધાયેલા છે છતાં હજારો કેસોમાં તપાસ થઈ નથી. એકમાં પણ નોંધપાત્ર સજા થઈ નથી. આડેસરની ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસે તોછડાઈભર્યુ વર્તન કર્યાનો આક્ષેપ કર્યો હતો.
સગીર દલિત યુવતીની બળાત્કારની ઘટનાને ગંભીર ગણાવી નહોતી મેડિકલ ચેકઅપ માટે પણ ત્રણ દિવસ બાદ લાવવામાં પોલીસની પણ ભૂમિકા શંકાનાં દાયરા માં આવે છે ઉપરાંત મેડિકલ રિર્પાર્ટ કરનાર જવાબદાર તબીબી અધિકારી હાજર ન હોતા પીડીતા અથવા તેમના પરિવારને ખૂબ હેરાનગતિ ભોગવવી પડી છે.
ગુજરાતના ગૃહ મંત્રીની કચ્છ મુલાકાતને ખલેલ ન પહોંચે તેથી પોલીસે આ બનાવને છુપાવી રાખેલ અને છેક 7 ઓકટોબરની ઘટનાનું 9 ઓકટોબરના રિપોર્ટ કરાવવા જિલ્લા મથક ભુજ મધ્યે પીડીતાને લાવેલ જે બાબત પણ સૂચવે છે કે પોલીસની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ છે.
આ તમામ આરોપીઓ સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી અને મદદગારી કરનારાઓની પણ ધરપકડ કરી અને ધાક બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે.