હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ ઉપર તૂટી પડતી પોલીસ
માત્ર દોઢ કલાકમાં હેલ્મેટ વગર કચેરીએ આવતા 231 કર્મચારીઓ દંડાયા
પોલીસ કમિશનર, પોલીસ હેડકવાર્ટર, કલેકટર, બહુમાળી ભવન સહિતની કચેરીઓમાં સવારથી બપોર સુધી ખાસ ઝુંબેશ
રાજ્યમાં સરકારી કમર્ચારી માટે ટુ-વ્હીલરમાં હેલ્મેટ ફરજીયાત કરાયું છે. હવે સરકારી અને પોલીસ કર્મચારીઓ નિયમનું પાલન કરે તે માટે પણ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જારી કરાયેલા પરિપત્ર બાદ આજ સવારથી ટ્રાફિક પોલીસે શહેરની જુદી જુદી સરકારી કચેરીના ગેટ ઉપર કરેલા ચેકિંગમાં માટે દોઢ કલાકમાં 231 હેલ્મેટ વિનાના લોકો ઝપટે ચડ્યા હતા અને રૂૂ.1,18,500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
રાજ્ય પોલીસ વડાના આદેશને અમલમાં મૂકવા રાજકોટ શહેર પોલીસે પોતાના ઘરથી જ કાર્યવાહી શરૂૂ કરી, એટલે કે શહેર પોલીસ કમિશનર કચેરી, બહુમાળી, કલેકટર કચેરી તેમજ મહાનગરપાલિકા કચેરીની બહાર જ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને ચેકીગ કર્યું હતું.
સવારે 10:30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ચેકીગમાં દોઢ કલાકમાં 231 લોકો દંડાયા હતા. આ ડ્રાઈવ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા જારી કરાયેલા પરિપત્રના અનુસંધાનમાં હાથ ધરવામાં આવી છે. સરકારી કચેરી ખાતે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમે ચેકિંગ હાથ ધર્યું, જ્યાં 231 કર્મચારીઓ હેલ્મેટ વગર ઝડપાયા. કેટલાક કર્મચારીઓએ ઓળખાણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરી. રાજ્યમાં હાઇકોર્ટે ટુ-વ્હીલર હેલ્મેટ ફરજીયાત કરવાના મુદ્દે રાજ્ય સરકારને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. જેને અનુસરી રાજ્ય પોલીસ વડાએ તમામ સરકારી અને પોલીસ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત હોવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો.
આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે. આ પગલાંથી સરકારી કચેરીઓમાં ફફડાટ ફેલાયો છે અને કર્મચારીઓ હવે ટ્રાફિક નિયમોનું પાલન કરવા તરફ વળ્યા છે. પોલીસનું આ અભિયાન માત્ર દંડ વસૂલવા પૂરતું સીમિત નથી, પરંતુ કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે પણ છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની રાહબરી હેઠળ એસીપી જે.બી.ગઢવી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે.