સુરેન્દ્રનગરમાં વહેલી સવારે વાગતી સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરતી પોલીસ
સુરેન્દ્રનગરમાં વહેલી સવારે મસ્જિદ ઉપર વગાડવામાં આવતા લાઉડ સ્પીકર સહિતની સાઉન્ડ સિસ્ટમ પોલીસે જપ્ત કરી જાહેરનામાભંની કાર્યવાહી કરી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે મોડી રાતના 3 કલાકે વાગતી સાઉન્ડ સીસ્ટમ જપ્ત કરીને નિયમોનો દંડો ઉગામ્યો હતો.સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસના નાગરભાઈ દલવાડી સહિતનાઓ રાતના સમયે નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
ત્યારે નુરેમહમદી સોસાયટીમાં મોડી રાતના 3 કલાકે મોટા અવાજે સાઉન્ડ સીસ્ટમ વાગતુ હોવાની બાતમી મળતા તપાસ કરાઈ હતી. જેમાં કોઈપણ મંજૂરી વગર બોટાદનો સંજય મખીયાવીયા સાઉન્ડ સીસ્ટમ વગાડી સુલેહ શાંતિનો ભંગ કરતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી 3 સ્ટેબીલાઈઝર, લોખંડના સ્ટેન્ડ, એમ્પ્લીફાયર, ઈલેકટ્રીક વાયરના ગુંચળા, સ્પીકર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ આ બનાવ બાદ એ ડીવીઝન પોલીસ મથકે તા. 20મીએ બપોરે ડીજે સાઉન્ડ એસોસિયેશનની બેઠક બોલાવાઈ હતી. જેમાં એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એચ.એસ.જાડેજા, નારણભાઈ ગઢવી સહિતનાઓએ એસો.ના સભ્યોને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ રાતના 10 બાદ ડીજે સાઉન્ડ ન વગાડવા તાકીદ કરી હતી. બીજી તરફ દિવસે અને રાતના સમયે પણ નીયમ મુજબ પરમીશન લેવા જણાવાયુ હતુ. આ બેઠકમાં સાઉન્ડ એસોસિયેશનના 20થી વધુ સભ્યો હાજર રહ્યા હતા.