દ્વારકા જતા શ્રદ્ધાળુઓ માટે પોલીસ દ્વારા ધમધમ્યા સેવા કેમ્પ
હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં આવતી પૂનમનો અનેરો મહિમા રહેલો છે. ફાગણી પૂનમના રોજ ભગવાન કૃષ્ણના દર્શન કરવાનો અનેરો મહિમા છે. ફાગણ મહિનામાં આવતી પૂનમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય તે માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પદયાત્રીઓ પગપાળા જતા હોય છે.ત્યારે રાજકોટ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો પગપાળા મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. ત્યારે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે રાજકોટ તાલુકા પોલીસ અને શહેર પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કર્યું છે. જેથી પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે. આ સેવા કેમ્પમાં ફિઝિયોથેરાપીસ્ટથી લઈને મેડિકલની તમામ સુવિધા રાખવામાં આવી છે. અહિંયા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કેમ્પમાં અહિંયા ગાદલા, પંખા અને ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.જો કોઈ વ્યક્તિને પગમાં દુખાવો હોય તો પણ તેમની સારવાર અહિંયા કરવામાં આવે છે આ સાથે જ મસાજના મશીનો પણ રાખવામાં આવ્યા છે.જેથી તેઓ લાંબુ અંતર સરળતાથી કાપી શકે.અહિંયા ભોજન અને આરામ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આ સાથે પદયાત્રીઓને રેડિયમ વાળા જેકેટ આપવામાં આવ્યાં છે અને રેડિયમ સ્ટીકર પોતાના સામાન પર લગાવી શકે તે માટે સ્ટીકર પણ આપવામાં આવ્યાં છે.જેથી અકસ્માત ન બને અને સલામતી રહે.કેમ્પમાં રહેવા, જમવા અને મેડિકલ સહિતની તમામ સુવિધા આપવામાં આવી રહી છે.
પદયાત્રીઓ માટે ઠંડુ ફ્રુટ, જમવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા કરી આપવામં આવી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ. એમ. હરિપરાએ જણાવ્યું કે, દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ફાગણી પૂનમ ભરવા દ્વારકા જતા હોય છે.અમારી ટીમ દ્વારા દર વર્ષે કેમ્પ લગાવી યાત્રીઓ માટે તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે. હાલ કેમ્પમાં તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓથી લઈ જમવા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે દર વર્ષે હોળીના દિવસે લાખો ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા પહોંચતા હોય છે. ફાગણી પૂનમના દિવસે કાળીયા ઠાકરના દર્શનનો અનેરો મહત્વ રહેલું છે.