જામનગરમાં પોલીસનું મેગા કોમ્બિંગ, દારૂના 35 કેસ કરાયા
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો 150નો કાફલો શંકાસ્પદ સ્થળોએ ત્રાટક્યો, દેશી દારૂના જથ્થાનો કરાયો નાશ
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા જામનગર જીલ્લાના માથાભારે શખ્સો, હિસ્ટ્રીશીટરો, પ્રોહીબીશનના બુટલેગરો, નાસતા ફરતા આરોપીઓ તેમજ મિલકત અને શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોને શોધી કાઢવા માટે તા. 25 ના રાત્રે એક ખાસ નસ્પેશ્યલ કોમ્બિંગ ડ્રાઇવથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૃતિનગર, ગણપતનગર, વુલનમીલ ફાટક અને રેલ્વે પાટા જેવા અત્યંત સંવેદનશીલ અને ગીચ વિસ્તારોને આવરી લઈને ગુનેગારો પર ધોંસ બોલાવવામાં આવી હતી.
આ કોમ્બિંગ ડ્રાઇવની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવી હતી, જેમાં પોલીસ બેડાના વિવિધ વિભાગો જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કવોડ ઉપરાંત સીટી એ, બી, અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન, બેડી મરીન પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો અને સબ-ઇન્સ્પેક્ટરો સહિતની ટીમો જોડાઈ હતી.
જેમાં કુલ 6 પોલીસ ઇન્સ્પેક્ટર, 15, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને આશરે 150 જેટલા પોલીસ કર્મચારીઓના વિશાળ કાફલાએ આધુનિક ડોગ સ્કવોડની મદદથી રાત્રિના સમયે શંકાસ્પદ સ્થળો ખૂંદી વળ્યા હતા અને શહેરના ખૂણેખૂણે સઘન ચેકિંગ હાથ ધરીને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો હતો.
આ ડ્રાઇવ દરમિયાન દારૂૂની બદીને ડામવા માટે કરાયેલી કડક કાર્યવાહીમાં પ્રોહીબીશનના કુલ 35 કેસો નોંધવામાં આવ્યા હતા, જ્યારે જી.પી. એક્ટની કલમ 135 ભંગ બદલ હથિયાર ધારાના 6 કેસો કરીને કાયદાનો સકંજો કસવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મિલકત સબંધી ગુનાઓમાં અગાઉ પકડાયેલા 63 એમ.સી.આર. ઈસમો, 12 માથાભારે શખ્સો, 7 અસામાજિક તત્વો અને 4 ટપોરીગીરી કરતા ઈસમોને શોધીને તેનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શહેરના 32 પ્રોહી બુટલેગરો અને 14 જાણીતા જુગારીઓના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે શહેરની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 4 જેટલી અવાવરુ જગ્યાઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારો ઉપરાંત 19 હોટલ, ધાબા અને ધાર્મિક સ્થળોનું પણ ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જાહેર રસ્તાઓ પર કાયદાનું પાલન કરાવવા માટે 178 વાહનોનું ચેકિંગ કરીને ટ્રાફિક નિયમન અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી, આમ આ સમગ્ર ઓપરેશન દ્વારા જામનગર પોલીસે પ્રજાની સુરક્ષા અને શાંતિ માટે પોતાની કટિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.