નવા રસ્તા તૂટે તો કોન્ટ્રાક્ટરો-અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ
પ્રભારી મંત્રીઓને ફિલ્ડમાં જઇ તપાસ કરવા સૂચના, બેદરકારી નહીં ચલાવવાનો સ્પષ્ટ સંકેત
ગુજરાતભરમાં ચોમાસા બાદ બિસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાઓને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં આવ્યા છે. કેબિનેટ બેઠકમાં તેમણે પોતાના સાથી મંત્રીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં સૂચના આપી છે કે રસ્તાના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે જો નવા બનાવેલા રસ્તાઓ તૂટી ગયા હોય, તો માત્ર રિપેરીંગથી કામ નહીં ચાલે, પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાથી લઈ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તાઓના મુદ્દે ગંભીર નોંધ લીધી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની ખરાબ હાલતને કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેમણે તમામ મંત્રીઓને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં ન આવે અને ખરાબ કામગીરી કરનારા તત્વો સામે દાખલારૂૂપ પગલાં લેવામાં આવે.
મુખ્યમંત્રીની સૂચનામાં સૌથી મહત્વની બાબત જવાબદારી નક્કી કરવાની હતી. તેમણે મંત્રીઓને નિર્દેશ આપ્યો છે કે જો કોઈ વિસ્તારમાં તાજેતરમાં જ નવા રસ્તા બન્યા હોય અને તે ટૂંકા ગાળામાં તૂટી ગયા હોય કે ધોવાઈ ગયા હોય, તો તેને ગંભીર નિષ્કાળજી ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને જવાબદાર એજન્સી કે અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને પોત-પોતાના મતવિસ્તાર ઉપરાંત જે જિલ્લાના તેઓ પ્રભારી છે, ત્યાં રૂૂબરૂૂ મુલાકાત લેવા જણાવ્યું છે. મંત્રીઓએ સ્થળ પર જઈને રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરવાનું રહેશે. જો તપાસ દરમિયાન ભ્રષ્ટાચાર કે હલકી ગુણવત્તાનું કામ ધ્યાને આવે તો માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે, કાયદાકીય રાહે પગલાં ભરવા અને જરૂૂર પડે તો ખાતાકીય તપાસ શરૂૂ કરાવવા માટે પણ લીલી ઝંડી આપવામાં આવી છે.