ગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલ
ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી જે પણ ઘટનાઓ બની રહી છે તેણે સાબિત કરી દીધું છે કે ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે. ગોંડલમાં જે રીતે હાલ બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમાં જ તેમના વકીલ દિનેશ પાતરને પણ ફસાવવામાં આવી રહ્યા છે. તેવા આક્ષેપો દિનેશ પાતર દ્વારા કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે ગોંડલ પોલીસ બીજાના ઈશારે કામ કરે છે તેવા આક્ષેપ પણ કર્યા છે. આ સાથે જ આ મુદ્દે ગોંડલ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. અને હવે શક્તિસિંહ ગોહિલ પણ મેદાને આવ્યા છે.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ ગોંડલ પોલીસની કામગીરીને વખોડી છે. સાથે જ તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપના બે જૂથો વચ્ચેની લડાઈ એ ભાજપની પરાકાષ્ઠાની લડાઈ છે. બીજેપીના બે જૂથોની લડાઈ વચ્ચે પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકોને ખોટા કેસોમાં ફસાવવા પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે. પોલીસ એ પ્રજાના રક્ષક છે ભક્ષક નથી. પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી. એ જનતાના જનસેવક છે. જે પોલીસ અધિકારીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તે મહેરબાની કરીને આ ધંધો ના કરે.
વધુમાં તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે તો તેને સજા કરવાનો અધિકાર ન્યાયાલયને છે. ન્યાયાલય કોઈ પણ સજા કરે તે બંધારણની જોગવાઈ છે. પોલીસને કોઈ અધિકાર નથી કોઈને પ્રતાડિત કરવાનો. ગોંડલમાં ભાજપના જ બે જૂથોના રાજકીય હાથો બનીને પોલીસ કામ ના કરે. આ પ્રકારની ઘટનાઓમાં માનવાધિકાર આયોગે પણ આગળ આવવું જોઈએ અને આવી પ્રવૃત્તિઓનો વિરોધ કરવો જોઈએ. આ મામલે હું ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાનો છું.