વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે
વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.આ ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા. સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સ્કુલમાં બ્લાસ્ટની ધમકી મળતાં વાલીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં RDX વડે બ્લાસ્ટ ઘમકી હતી. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
હાલમાં સ્કૂલ પરિસરમાં એકપણ બાળક કે વાલીને રહેવા દેવામાં આવ્યા નથી. સુરક્ષાના કારણોસર, તમામ બાળકોને સ્કૂલ શરૂ થાય તે પહેલા જ તેમના વાલીઓ સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પોલીસ દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં આવી છે અને તપાસ ચાલુ છે.
વડોદરા શહેરમાં અગાઉ પણ અનેક શાળાઓને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.