PMના વિશ્વાસુ ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIના સ્પેશિયલ ડાયરેક્ટર બનાવાયા
ગુજરાત કેડરના 1994 બેચના આઈપીએસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ મનોજ શશીધરને બઢતી આપી સીબીઆઈના સ્પેશીયલ ડાયરેક્ટર બનાવી સીબીઆઈમાં નિયુક્તી કરવામાં આવી છે. આઈપીએસ મનોજ શશીધરની 2020માં સીબીઆઈમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
મનોજ શશીધર 1994ની બેંચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આઈપીએસ મનોજ શશીધર તેમના વિશ્વાસુ હતા. મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પોતના વિશ્વાસુ ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશીધરને વર્ષ 2020માં ડેપ્યુટેશન ઉપર દિલ્હી નિયુક્ત કર્યા હતા. મનોજ શશીધર ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા હતા ત્યારે તેમને ડેપ્યુટેશન ઉપર સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર બનાવાયા હતા.
જ્યાં તેમને એડીશનલ ડાયરેક્ટર તરીકે બઢતી પણ આપવામાં આવી હતી. મનોજ શશીધર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નજીકના વિશ્વાસુ મનાય છે. તેઓ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ડીસીપી રહી ચૂક્યા છે તેમજ જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે કામ કરી ચૂક્યા છે. ગોધરા અને રાજકોટ રેન્જના આઈજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વડોદરા પોલીસ કમિશનર તરીકે સેવા બજાવી ચૂક્યા છે. ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશીધરને હવે બઢતી આપી સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના જ આઈપીએસ પ્રવિણ સિંહા પણ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થતા હોય ત્યારે વધુ એક ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશીધરની સીબીઆઈમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.