રાજભવનમાં CM અને પાટીલ સાથે PMની મેરેથોન બેઠક
ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફાર અંગે અટકળો તેજ, અનેક મહત્ત્વના મુદાઓ અંગે પણ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગઇકાલી ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે વહેલી સવારે રાજભવન ખાતે વડાપ્રધાને ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ સાથે મેરેથોન બેઠક યોજતા ગુજરાત રાજકારણમા વધુ એક વખત સરકાર અને સંગઠનમા ફેરફારની અટકળોને વેગ મળ્યુ છે.
મળતી માહિતી મુજબ આજે સવારે રાજભવન ખાતે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ સાથે લાંબી બેઠક યોજી હતી.
આ બેઠકમા કઇ બાબતોની ચર્ચા થઇ તે અંગે કોઇ સ્પષ્ટ વિગતો બહાર આવી નથી. પરંતુ લાંબા સમયથી ગુજરાત સરકાર અને સંગઠનમા ફેરફારની ચાલી રહેલી કવાયતો બાબતે મહત્વપુર્ણ ચર્ચા થયાનુ માનવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતનાં ધોલેરા એસ.આઇ.આર. તથા સેમિક્ધડકટર પ્રોજેકટ સહીત મહત્વની યોજનાઓની પ્રગતિ અંગે પણ ચર્ચા થયાનુ માનવામાં આવી રહયુ છે. આ સિવાય અમેરિકન ટેરિફનાં કારણે ગુજરાતનાં ઉદ્યોગો પર પડનાર સંભવિત અસરો અંગે પણ વડાપ્રધાને ગુજરાતનાં આ બંને નેતાઓ સાથે ચર્ચા કરી હોવાનુ મનાય છે.
ગુજરાતમાં મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાની ચૂંટણીઓ તોળાઇ રહી છે. તેવા સમયે જ ગુજરાતમા ખાડાઓ અને કાયદો વ્યવસ્થા સહીતનાં પ્રશ્ર્ને સરકાર સામે ઉભી થઇ રહેલી નારાજગી વચ્ચે સરકારમા ફેરફારો કરવા અને લાંબા સમયથી લટકી પડેલી પ્રદેશ પ્રમુખની નિમણુંક બાબતે વડાપ્રધાને બંને નેતાઓ સાથે ચર્ચા કરી હોવાની શકયતા ધ્યાને લઇ ગુજરાતનાં રાજકારણમા ફરી એક વખત ગરમાવો આવ્યો છે.
આ પુર્વે ગઇકાલે ભાજપનાં ધારાસભ્યની બેઠકમા સી.આર. પાટીલે પણ સરકાર અને સંગઠનમા ફેરફારનાં સંકેતો આપ્યા હતા અને બે વખત ઝડપથી મળવાનુ વિધાન કર્યુ હતુ તે બાબત પણ સુચક માનવામા આવે છે.
નજીકના ભવિષ્યમાં બે વખત મળીશું, પાટીલના વિધાનોથી ધારાસભ્યોને ગલગલીયા
ગુજરાતની રાજનીતિમાં મોટા બદલાવના સંકેતો જોવા મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંકેત આપ્યા છે કે જલ્દી સંગઠન અને સરકાર, બન્નેમાં વિસ્તરણ થઈ શકે છે. કમલમ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન પાટીલે જણાવ્યું કે, હજુ આપણે જલ્દી બે વખત મળીશું, જે આગામી ફેરફારોના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
પાટીલે પ્રદેશ અધ્યક્ષ પદ પર ફેરફાર અંગે પણ ઈશારો કર્યો હોવાનું માનવામાં આવે છે. સાથે જ મંત્રીમંડળમાં ફેરફાર અંગેના સંકેતો પણ તેમની વાણીમાં જોવા મળ્યા છે. પાટીલે મંત્રીઓ અને કાર્યકર્તાઓને ગણેશજીને પ્રાર્થના કરવા અંગે પણ વાત કરી હતી.
રાજકીય વર્તુળોમાં હવે સવાલ એ છે કે ભાજપમાં નવાજૂની ક્યારે અને કેવી રીતે થશે, અને કયા નવા ચહેરાઓ સંગઠન અને સરકારમાં સ્થાન પામશે. પાટીલના આ વિધાનો બાદ અનેક ધારાસભ્યોને ગલગલીયા થવા લાગ્યા છે. અને મંત્રીપદના સપના પણ આવવા લાગ્યા છે. દરેક ધારાસભ્યો પાટીલની વાતને પોતપોતાની રીતે મુલવવા માંડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી ખાનગી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભૂપેન્દ્ર યાદવે મોડી રાત્રે ગુજરાતની મુલાકાત લીધી હતી અને મુખ્યપ્રધાન સાથે બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક મંત્રીમંડળના વિસ્તરણને લઈને યોજાઈ હતી, જેમાં સંગઠનના પદાધિકારીઓ પણ હાજર હતા. રવિવારે દિલ્હીમાં પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ બેઠકોની વચ્ચે આજે યોજાયેલી બેઠકમાં સી.આર. પાટીલએ હળવા અંદાજમાં જણાવ્યું કે, હજુ આપણે નજીકના ભવિષ્યમાં બે વખત મળીશું, જેનાથી સંગઠન અને સરકાર બંનેમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે.
સીઆર પાટીલના સંકેતો મુજબ, ઓગસ્ટના અંત સુધી અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકાર અને સંગઠન બંનેમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. ભાજપમાં ધરમૂળથી નવાજૂનીની તૈયારી ચાલી રહી હોવાના એંધાણ હવે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.