ચૈતર વસાવાના ગઢમાં PM મોદીનો કાર્યક્રમ
ડેડિયાપાડામાં 15 નવેમ્બરે બિરસા મુંડાની 150મી જન્મજયંતીએ જાહેરસભા સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ફરી એકવાર ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ 15મી નવેમ્બરે આદિવાસી સમાજના પભગવાનથ ગણાતા સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવવાનો છે. વડાપ્રધાન મોદી આ દિવસે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેના કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવના છે.
તેમનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે, જેમાં તેઓ સવારે સુરત પહોંચી ત્યાંથી હેલિકોપ્ટર મારફત ડેડિયાપાડા જશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ડેડીયાપાડામાં વડાપ્રધાનની જાહેરસભાનું પણ આયોજન થઈ રહ્યું છે. આ રીતે ભાજપ ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહેલ છે.
ગુજરાત સરકારે અંગ્રેજો સામે લડત આપનારા આદિવાસી નેતા બિરસા મુંડાના સન્માનમાં ડેડિયાપાડા ખાતે પ્રતિમા સ્થાપિત કરી છે. આ જ પવિત્ર સ્થળેથી 150મી જન્મ જયંતીની ઉજવણીનો શુભારંભ થશે. રાજ્ય સરકારે તેના આ વર્ષના બજેટમાં આ ભવ્ય ઉજવણી માટે ખાસ નાણાકીય જોગવાઈ પણ કરી છે. આ સાથે, સરકારે આદિજાતિ વિસ્તારોમાં વિકાસને વેગ આપવા માટે પન્યૂ ગુજરાત પેટર્નથ યોજના હેઠળ શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂૂ. 1,100 કરોડની મોટી ફાળવણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના સંદર્ભમાં પભારત પર્વથના નામે પંદર દિવસ માટે આનંદ મેળાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ મેળાના છેલ્લા દિવસે એટલે કે 15મી નવેમ્બરે જ ‘જનજાતિય દિવસ’ તરીકે બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ તાજેતરમાં જ 30-31 ઓક્ટોબરના રોજ કેવડિયાની મુલાકાત લઈને ગયા હતા. આ મુલાકાત આદિવાસી સમાજમાં ગૌરવની લાગણી પેદા કરશે.
ઉલ્લેખનીય છે કે, ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભાય ચૈતર વસાવા ચુંટાયા છે અને આદિવાસી વિસ્તારમાં ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે, તેવા સમયે જ ચૈતર વસાવાના ગઢમાં ખૂદ વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.