PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. આ સ્થિતિમાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે PM મોદીએ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીએ નાગરિકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પૂરતા પગલાં વિશે પણ પૂછપરછ કરી.ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં, જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.
https://x.com/Bhupendrapbjp/status/1920738301801074927
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. '
વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.
તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આજે (શુક્રવારે) બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થિતિ અને સતર્કતા સંદર્ભે ચર્ચા કરી હતી. જેમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા એસપી સાથે સમીક્ષા કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, ગુજરાતના સરહદી જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠાના ઘણા ભાગો ગુરુવારે રાત્રે સાત કલાકથી વધુ સમય સુધી વીજળી વગર રહ્યા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કચ્છ અને બનાસકાંઠા બંને જિલ્લા પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે. અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાનના કોઈપણ આક્રમક પગલાને નિષ્ફળ બનાવવા માટે સાવચેતીના પગલા તરીકે ભુજ, નલિયા, નખત્રાણા અને ગાંધીધામ શહેરો સહિત કચ્છના ઘણા ભાગોમાં વીજળી સંપૂર્ણપણે કાપી નાખવામાં આવી હતી.