For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં 242 મુસાફરો સાથેનું વિમાન ક્રેશ, મોટી જાનહાનિ

04:13 PM Jun 12, 2025 IST | Bhumika
અમદાવાદમાં 242 મુસાફરો સાથેનું વિમાન ક્રેશ  મોટી જાનહાનિ

એર ઇન્ડિયાની લંડન જતી ફલાઇટ ટેક ઓફ થયાના અઢી મિનિટમાં જ મેડિકલ કોલેજના બિલ્ડિંગ ઉપર તૂટી પડી: ભયાનક ધડાકા સાથે વિમાન આગમાં લપેટાઇ ગયું, યુદ્ધના ધોરણે બચાવ રાહત કાર્ય, આસપાસના શહેરોમાંથી ફાયરબ્રિગેડ-મેડિકલ ટીમો બોલાવાઇ

Advertisement

એનડીઆરએફ-બીએસએફની ટુકડીઓ દોડાવાઇ, મૃત્યુઆંક મોટો થવાની શંકા

અમદાવાદમાં આજે 37 વર્ષ બાદ વધુ એક ભયાનક વિમાની દુર્ઘટના સર્જાઈ છે અને તેમાં મોટાપાયે જાનહાની થતાં સમગ્ર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામેલ છે. અમદાવાદથી ઈંગલેન્ડ જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ નં.એ-આઈ-171 બોઈંગ વિમાન 787 આજે બપોરે 1.40 મીનીટ આસપાસ અમદાવાદ એરપોર્ટ નજીક જ તુટી પડતાં ભયાનક દુર્ઘટના સર્જાયેલ છે. આ દુર્ઘટનામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાના ચિંતાજનક અને અત્યંત દુ:ખજનક સમાચાર મળી રહ્યાં છે.

Advertisement

મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાની આ ફલાઈટમાં બે પાયલોટ, 10 કેબીન ક્રુ મેમ્બર સહિત 242 મુસાફરો સવાર હતાં. આ ફલાઈટ આજે બપોરે 1.48 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થઈ હતી અને માત્ર અઢી મીનીટ બાદ 1.40 વાગ્યે આસપાસ એરપોર્ટની પાછળ મેઘાણીનગર વિસ્તારમાં આવેલા સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોકટરોના બિલ્ડીંગ ઉપર તુટી પડી હતી અને ભયાનક વિસ્ફોટ સાથે અગનગોળામાં ફેરાવાઈ ગઈ હતી.

આ વિમાન તુટી પડતાં ઘટના સ્થળે ભારે નાસભાગ મચી જવા પામી હતી અને ધુમાડાના ગોટેગોટા નિકળતાં આસપાસના લોકો ઘર છોડી ભાગવા લાગ્યા હતાં ઘટનાની જાણ થતાં એરપોર્ટ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતાં. તાબડતોબ બચાવ રાહત કાર્ય શરૂ કર્યુ હતું.

જો કે ઘટના સ્થળે આગ અને ધુમાડાના ગોટેગોટા હોવાથી બચાવ રાહત કાર્યમાં થોડો સમય માટે અડચણ ઉભી થઈ હતી પરંતુ ફાયર બ્રિગેડના જવાનો અને એનડીઆરએફના જવાનોએ જીવના જોખમે પણ ઘવાયેલાઓને તાબડતોબ સરકારી તેમજ આસપાસની હોસ્પિટલોમાં ખસેડ્યા હતાં. શહેરની તમામ હોસ્પિટલોની એમ્બ્યુલન્સો તમેજ સરકારી 108 એમ્બ્યુલન્સો પણ ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવી હતી. જેમ જેમ મુસાફરોને વિમાનના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં હતાં તેમ તેમ એમ્બ્યુલન્સમાં નાખી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યાં હતાં.

ઘવાયેલાઓને તાત્કાલી હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે ઘટના સ્થળથી સિવિલ હોસ્પિટલ તેમજ નજીકની ખાનગી હોસ્પિટલ સુધી પોલીસે કોરીડોર ઉભો કરી દીધો હતો અને માત્ર એમ્બ્યુલન્સો અને સરકારી વાહનોની અવરજવર માટે આ રોડ રીઝર્વ કરી દીધો હતો. અને લોકોને પણ પોલીસે આ વિસ્તારમાં નહીં નીકળવા અપીલ કરી હતી. સમગ્ર વિસ્તારને પેરામીલ્ટ્રી ફોર્સ દ્વારા કોર્ડન કરી લેવામાં આવેલ છે.

બચાવ રાહત માટે અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, ગાંધીનગર સહિતના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરો તેમજ એમ્બ્યુલન્સો બોલાવવામાં આવી છે. એનડીઆરએફની બે ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બીએસએફની ટુકડી પણ બચાવ રાહત માટે રવાના કરી દેવામાં આવી છે.

ફલાઈટમાં બ્રિટનના-52, પોર્ટુગલના-6, કેનેડા-1 અને 183 ભારતીય મુસાફરો
અમદાવાદમાં દુર્ઘટનાનો ભોગ બનેલી એર ઈન્ડિયાની લંડન જતી ફલાઈટમાં 10 કેબીન ક્રુ, 2 પાયલોટ સહિત 242 મુસાફરો સવાર હતાં. તેમાં બ્રિટનના-52, પોર્ટુગલના-6 અને કેનેડાનો -1 નાગરિક હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલ છે. આ સિવાય બાકીના 183 મુસાફરો ગુજરાતી તથા ભારતીય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફલાઈટના પાયલોટ સુમીત સભરવાલ તથા આસીસ્ટન્ટ પાયલોટ કલાઈવ કુંદર હોવાનું જાણવા મળ્યું છે. આ ફલાઈટ રનવે નંબર 23 ઉપરથી બપોરે 1.38 કલાકે ટેક ઓફ થઈ હતી ત્યારબાદ માત્ર અઢી મીનીટમાં જ ટાવરને મેડે કોલ આપ્યો હતો પરંતુ ફલાઈટ તુટી પડી હતી અને કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો.

એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ જમતાં હતાં અને આકાશમાંથી મોત ખાબક્યું

એર ઈન્ડિયાનું એઆઈ 171 વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું ત્યારે ટેકઓફના શરૂઆતની જ મીનીટોમાં જ મેડીકલ કોલેજની હોસ્ટેલના મેશ બિલ્ડીંગ ઉપર તુટી પડયું હતું ત્યારે આ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ પણ ભોગ બનવાની શકયતા સેવાઈ રહી છે.
આજે બપોરે 1.38 કલાકે એર ઈન્ડિયાનું વિમાન મેઘાણીનગરમાં બી.જે.હોસ્પિટલની મેશ પર તુટી પડયું હતું. બપોરના સમયે અનેક વિદ્યાર્થીઓ મેશમાં ભોજન માટે ઉપસ્થિત હોય મૃત્યુ આંક વધવાની શકયતાઓ સેવાઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં સવાર 242 મુસાફરો ઉપરાંત 20 જેટલા એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હોય તેવી શકયતા છે. જો કે હાલમાં સત્તાવાર મૃત્યુઆંક જાણી શકાયો નથી.

વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવવા તાબડતોબ રવાના
અમદાવાદમાં બનેલી પ્લેન દૂર્ઘટનાને જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત સરકારના સતત સંપર્કમાં આવ્યા હતાં અને ઘટનાની વિગતવાર માહિતી મેળવ્યા બાદ ગંભીરતાને ધ્યાનમાં લઈને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાબળતોબ અમદાવાદ રવાના થયા હતાં. અમદાવાદ આવવાની સાથોસાથ વિવિધ સુચનાઓ પણ ગુજરાત સરકારને આપવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર તમામ ફલાઇટ રદ કરાઇ
અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશની ભયંકર દુર્ઘટના સર્જાતા મોટી નુકશાની થઇ છે. આ ગોજારી ઘટનાના પગલે એરપોર્ટ ઓથોરીટી દ્વારા તમામ ફલાઇટ રદ કરી હાલ સંચાલન બંધ કરી દેવામા આવ્યુ છે. અને એરપોર્ટ પરથી લોકોને તાકિદે હટાવવાની કામગીરી શરૂ કરવામા આવી હતી.

અમદાવાદમાં પ્લેન ક્રેશ થતાં જ સેન્સેક્સમાં 992 અંકનો કડાકો
બપોરે દોઢ વાગ્યે આસપાસ અમદાવાદમાં પ્લેન ક્રેસના સમાચાર મળતા જ શેરબજાર પણ ભારે ક્રેસ થયું હતું. સેન્સેક્સમાં 992 અંક જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે 2:10 કલાકે સેન્સેક્સ 992 અંક ઘટીને 81,500 પર ટ્રેડ થયો હતો.

રાજય સરકાર દ્વારા તમામ કાર્યક્રમો કેન્સલ
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બનતા સરકાર દ્વારા આયોજીત તમામ સરકારી કાર્યક્રમો હાલ તાત્કાલીક રદ કરવાનો આદેશ આપવામા આવ્યો છે. શરૂ કાર્યક્રમો પણ અધ્ધ વચ્ચે જ બંધ કરવામા આવ્યો હતા અને વર્તમાનમા કોઇ સરકારી કાર્યક્રમો નહી કરવા વિવિધ સરકારી વિભાગોને સુચના આપવામા આવી છે.

પત્નીની ઉત્તરક્રિયા માટે લંડનથી આવેલા વડિયાના અરૂણકુમાર પટોડિયા પ્લેનમાં સવાર હતા
અમદાવાદની પ્લેન દૂર્ઘટનામાં 242 મુસાફરો પ્લેનમાં સવાર હતાં જેમાના મુળ વડિયાના વતની અને હાલ લંડન રહેતા અરૂણકુમાર મનોજકુમાર પટોડિયા પણ તેમાં બેસીને લંડન જતાં હતા લંડનમાં અરૂણકુમારના પત્નીનું અવસાન થતાં લંડનમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવ્યા બાદ વડિયાખાતે પત્નીની ઉત્તરક્રિયા માટે અરૂણકુમાર પટોડિયા વડિયા આવ્યા હતાં જ્યારે તેમની ઉત્તરક્રિયા બાદ આજે તેઓ પરત લંડન જવાના હતાં. અરૂણકુમારને સંતાનમાં બે પુત્રીઓ છે જે હાલ લંડનમાં તેમના પાડોશીને ત્યાં રાખીને તેઓ એકલા જ વડિયા ખાતે પત્નીની ઉત્તરક્રિયા માટે આવ્યા હતાં અને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં તે સવાર હતાં ત્યારે આ પ્લેન ક્રેસની દૂર્ઘટના બની હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement