24 કલાકમાં નોકરીના ઓર્ડર કરો, ભાવિ શિક્ષકો આક્રમક
શિક્ષક દિવસના પવિત્ર દિવસે, ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન અને ધરણા માટે એકઠા થયા, જેમણે જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષક ભરતીની માંગણી કરી. આ ઉમેદવારોનો આક્ષેપ છે કે, સરકાર વારંવાર ‘ટૂંક સમયમાં ભરતી’ના ખોટા વાયદા કરી રહી છે. ગત વર્ષે 5 સપ્ટેમ્બર 2024ના આંદોલન બાદ પણ સરકારે આવો જ જવાબ આપ્યો હતો, પરંતુ એક વર્ષ વીતવા છતાં ભરતી પ્રક્રિયા શરૂૂ થઈ નથી. ઉમેદવારોનો રોષ વધુ તીવ્ર બન્યો છે, જેમણે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પર ‘જૂઠું બોલવાનો’ અને ‘નોકરી ચોરી’નો આરોપ લગાવ્યો છે.
ઉમેદવારોનું રહેવું છે કે, 5 સપ્ટેમ્બર 2024 ના ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે ટૂંક સમયમાં ભરતી શરૂૂ થશે એવું કહેવામાં આવ્યું. 5-સપ્ટેમ્બર-2025 ના રોજ એજ સરકારી જવાબ ટૂંક સમય માં ભરતી શરૂૂ થશે. ટૂંક સમય એટલે કેટલો પણ ? આમ સરકાર દ્નારા ઉમેદવારોને વાંરવાર ટુક સમયના વાયદાઓ કરતા ઉમેદવારો રોષે ભરાયા છે.
આંદોલન કરી રહેલા ઉમેદવારે કહ્યું કે, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોર જુઠ્ઠું બોલી રહ્યા છે. બધા ભેગા મળીને અમારી નોકરી ચોરી રહ્યા છે. અને હવે તે લોકોને પાડી દેવાની ગણતરી સાથે અમે અહીં આવ્યા છીએ.
આંદોલનકારીઓએ સરકારને 24 કલાકમાં નોકરીના ઓર્ડર આપવાની માંગ કરી, જેથી ગુજરાતનું શૈક્ષણિક ભવિષ્ય ઉજ્જવળ બની શકે. તેમનું કહેવું છે કે, સરકારની નિષ્ફળ નીતિઓ અને ખાનગી શાળાઓના હિતોને પ્રોત્સાહન આપવાના કારણે શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. આ આંદોલન સરકાર માટે ગંભીર ચેતવણી છે કે, યુવાનોની ધીરજ હવે ખૂટી રહી છે અને તેઓ ન્યાય માટે લડતા રહેશે.
શિક્ષકોની ખોટથી ભાવિ પેઢીનું શિક્ષણ જોખમમાં : મેવાણી
આંદોલનમાં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ પણ ઉમેદવારોનું સમર્થન કર્યું અને સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં એક લાખથી વધુ શિક્ષકોની ખોટ છે, શાળાઓ અને વર્ગખંડોની અછત છે, જેના કારણે રાજ્યની વર્તમાન અને ભાવિ પેઢીનું શિક્ષણ બરબાદ થઈ રહ્યું છે. 60,000થી વધુ ટેટ-ટાટ પાસ ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સરકાર 10,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકી નથી. મેવાણીએ આગળ કહ્યું કે, ગુજરાતના મોટા ભાગના મંત્રીઓ અને નેતાઓની ખાનગી શાળાઓ ચાલે છે, જેના કારણે જાહેર શિક્ષણ વ્યવસ્થાને ઇરાદાપૂર્વક નબળી પાડવામાં આવી રહી છે.