કોડીનારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પીઆઇ વણારકા દ્વારા અભિયાન હાથ ધરાયું
વેપારીઓ, નાગરિકોને નિયમો અંગે સમજણ આપી, 8 વાહનોને દંડ, બેને ઇ-મેમો ફટકારયા
કોડીનાર શહેરના નાગરિકોને લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની જટિલ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવવા માટે કોડીનાર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.વણારકાના અધ્યક્ષ સ્થાને એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત પી.આઈ. વણારકા અને પોલીસ ટીમે શહેરના મુખ્ય માર્ગો પર સઘન પેટ્રોલિંગ કરીને ટ્રાફિકની સમસ્યા ઊભી થવાના મુખ્ય સ્થળોની સ્થળ તપાસ કરી હતી.
અભિયાનના પ્રથમ તબક્કામાં, પી.આઈ વણારકાએ માન્યું હતું કે માત્ર દંડ કે કાર્યવાહીથી નહીં, પરંતુ લોકોના સહયોગથી જ ટ્રાફિકનું કાયમી નિરાકરણ શક્ય છે. આ હેતુસર, પોલીસે સૌપ્રથમ શહેરના વ્યાપારીઓ અને ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકોને ટ્રાફિકના નિયમો અંગે વિગતવાર સમજણ આપી હતી. તેમણે જાહેર સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પોલીસને સક્રિય સહયોગ આપવા માટે પણ અપીલ કરી હતી.
સમજાવટની સાથે જ, કાયદાનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂૂપ પાર્ક કરેલા અને નંબર પ્લેટ વગરના કુલ 8 વાહનોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં વાહન માલિકો પાસેથી કુલ ₹2200/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 2 વાહનોને ઈ-મેમો આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જરાપણ ચલાવી લેવામાં આવશે નહીં.
નવનિયુક્ત પી.આઈ દ્વારા શરૂૂ કરાયેલા આ કડક અને અસરકારક અભિયાનને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર સુધારો થવાની આશા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. કોડીનાર પોલીસે નાગરિકોને નિયમોનું પાલન કરવા અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા માટે અનુરોધ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસ શહેર વિસ્તારમાં ટ્રાફિક સંબંધિત રેગ્યુલર પેટ્રોલિંગ કરે તો જ આ સમસ્યાનો સમાધાન થઈ શકે તેમ છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે હવે પોલીસ એ શરૂૂ કરેલી આ ટ્રાફિક ડ્રાઈવ ક્યાં સુધી ચાલુ રહેશે તે જોવું રહ્યું.