સુરતમાં નોટબુક પર ભાજપના નેતાઓના ફોટા, અમારી સત્તા છે અમે કહેશું તેમજ થશે!
સુરત ભાજપના નેતાઓએ પોતાના ગોડફાધર અને નેતાઓની વાહવાહી કરવામાં હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી. સુરત શિક્ષણ સમિતિના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં સરદાર પટેલ, ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ કે વિવેકાનંદ નહી, પરંતુ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, જે.પી. નડ્ડા અને સી.આર. પાટીલના ફોટોગ્રાફ છે.
વિપક્ષે સમિતિની સામાન્ય સભામાં ભાજપના નેતાઓના ફોટોવાળી નોટબુક સાથે વિરોધ કરતાં કહ્યું હતું કે, આમનું બાળકોના શિક્ષણમાં શું યોગદાન છે? આ મામલે શાસકોએ ફોટાને યોગ્ય ગણાવીને જણાબ આપ્યો હતો કે, અમારા પ્રેરણા સ્ત્રોત છે, બીજેપીની સત્તા છે. વિપક્ષ કહે તેમ નહીં ચાલે, અમે કહીએ તે થશે.
વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક પર દેશના મહાનુભાવોના ફોટોની જગ્યાએ ભાજપના નેતાઓના ફોટો લગાવાને લઈને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો.
સમગ્ર મામલે વિપક્ષે કહ્યું કે, આ નેતાઓ ભલે તમારા પ્રેરણા સ્ત્રોત છે, પરંતુ તેઓનું શિક્ષણમાં કોઈ યોગદાન નથી. ખરેખર જો શિક્ષણની વાત હોય તો ગુજરાતના શિક્ષણ મંત્રીના ફોટા હોવા જોઈએ અથવા ગાંધીજી કે બાબા સાહેબ આંબેડકર જેવા નેતાઓના ફોટા હોવા જોઈએ.
આ મુદ્દે શાસકો જવાબ આપી શક્યા ન હતા અને આક્રમક થઈ ગયા હતા. વિપક્ષના સવાલ સામે શાસકોએ કહ્યું કે, બીજેપીની સત્તા છે, વિપક્ષ કહેશે તેમ નહીં ચાલે.
અમે કહીશું તે થશે. જ્યારે વિપક્ષે આ આખી ઘટનાને શિક્ષણમાં ઘૂસાડતા રાજકીય પ્રભાવ ગણાવ્યો છે અને જાહેર રીતે નોટબુકના કવરપેજમાંથી રાજકીય નેતાઓના ફોટો યોગ્ય ન હોવાની વાત કરી હતી.