ગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાં
ગીરના જંગલ વિસ્તારમાં બે સિંહબાળો સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોમાં એક યુવક સિંહબાળોને પોતાની ગાડીમાં ખોળામાં બેસાડી રમાડતો જોવા મળે છે. આ ઘટના બાદ વનવિભાગ હરકતમાં આવ્યું છે.
વાયરલ થયેલા ફોટા અને વીડિયો ગીરના તાલાલા અને સાસણ વિસ્તારના જંગલ ભાગોના હોવાનું જણાઈ રહ્યું છે. યુવકે સિંહબાળો સાથે અલગ-અલગ સ્થળોએ ફોટા લીધા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.
તાલાલા વનવિભાગના ACF યુ.આર. મોરીએ આ અંગે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર ઘણીવાર અઈં દ્વારા બનાવટી ફોટા પણ મૂકવામાં આવે છે. જોકે, આ સિંહબાળો સાથેના ફોટા અંગે તપાસ કરવામાં આવશે.
ACF મોરીએ વધુમાં સ્પષ્ટતા કરી કે, જો કોઈ પણ વન્યજીવને રંજાડવામાં આવ્યો હશે, તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના વિવિધ કાયદાઓ હેઠળ ગુનો નોંધવામાં આવશે. આ ગુનામાં 3 થી 7 વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ છે.તેમણે ઉમેર્યું કે, સિંહબાળો ચંચળ હોય છે અને તેમના પંજાના નહોર તીક્ષ્ણ હોય છે. તેમને પકડવાનો પ્રયાસ કરવાથી ઈજા થવાની પૂરી સંભાવના રહે છે. પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં પરવાનગી વગર પ્રવેશ કરવો પણ ગુનો બને છે.