દ્વારકાના બરડિયાના પેટ્રોલ પંપે ઉધાર પેટ્રોલ ભરાવી બોલાવી બઘડાટી
દ્વારકા નજીક આવેલા બરડીયા ગામ પાસેના એક પેટ્રોલ પંપ ખાતે રવિવારે સાંજના સમયે ચાર શખ્સોએ બોલાચાલી કરી, અને અહીં રહેલા કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા અને રેલવે ફાટક પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપમાં નોકરી કરતા દેરાજભા જેઠાભા બઠીયા નામના 25 વર્ષના હિન્દુ વાઘેર યુવાન રવિવાર તા. 1 ના રોજ સાંજના સમયે પેટ્રોલ પંપ ખાતે હતા, ત્યારે અહીં બરડીયા ગામનો દેવરાજભા મુરુભા સુમણીયા નામનો શખ્સ આવ્યો હતો. તેણે પ્લાસ્ટિકની બોટલમાં 90 રૂૂપિયાનું ઉધાર પેટ્રોલ ભરી દેવા તેમજ રૂૂપિયા 15,000 ઉછીના આપવા માટે માંગણી કરી હતી.જે અંગે ફરિયાદી દેરાજભાએ ના કહેતા અહીં આવેલા દેવરાજભા તેમજ અન્ય આરોપીઓ ડેપાભા મુરૂૂભા સુમણીયા, વેજાભા હાઠીયાભા સુમણીયા અને વેજાભા જગાભા માણેક નામના ચાર શખ્સોએ આવી, અને લોખંડની સાંગાણી (કોસ) વડે માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત બનાવના સી.સી. ટી.વી. ફૂટેજ પણ વાયરલ થયા છે. જે અંગે દ્વારકા પોલીસે ભારતીય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના એ.એસ.આઈ. બી.વી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.