દારૂ-ડ્રગ્સ મુદ્દે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવેલ પ્રશ્ર્નોના સમર્થનમાં કલેકટરને આવેદન
ડ્રગ્સ સંરક્ષકો અને તેમની સાથે સંકળાયેલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા ધરાર પટ્ટા ઉતારવાના નિવેદન પછી રાજકીય ઉકળાટ વધી ગયો છે. પોલીસ પરિવારનાં વિરોધ બાદ હવે જીજ્ઞેશ મેવાણીના સમર્થકો જનતાનો વારો આવ્યો છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નશાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી માટે મોરચા ઉઠયા છે. કલેકટર કચેરી સુધી પહોંચી લોકો દ્વારા કડક પગલાની માંગ થઇ રહી છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી છેલ્લા કેટલાક સમયમાં રાજયમાં દારૂ, ડ્રગ્સ, નશીલા પદાર્થો તેમજ તેની પાછળ રહેલી પોલીસની શંકાસ્પદ ભુમીકા વિશે અત્યંત ગંભીર મુદાઓ ઉપર જાહેર મંચો પર સવાલ ઉઠાવ્યા છે.
ધારાસભ્ય દ્વારા ઉઠાવેલ મુદાઓ પર ગૃહમંત્રી સહીત પોલીસે વિરોધરૂપ રજુઆતો કરી ધારાસભ્ય પર દબાણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવેલ મુદાઓના સમર્થનમાં અનેક લોકો આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જીજ્ઞેશ મેવાણી દ્વારા ઉઠાવેલ પ્રશ્નો પુરાવા આધારીત, લોક હીતકારી અને જનવિભાગના કલ્યાણ માટેના જ રહ્યા છે. તેમનો ઉઠાવેલ મુદાઓ પર કાર્યવાહી કરી રાજયમાં દારૂ, ડ્રગ્સના નેટવર્ક તેના સંરક્ષકો અને સંકળાયેલા અધિકારીઓ અંગે ખાસ મોનીટરીંગ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.