ખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણ
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ
રાજકોટ રેલવે ડિવિઝનના ખંભાળિયા સ્ટેશન ખાતેની રેલવે કોલોનીમાં છેલ્લા આશરે દોઢેક દાયકાથી સતત પાણી ભરાવા (જળભરાવ)ની સમસ્યા રહેતી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન કોલોનીના ક્વાર્ટર્સમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને બિન-આરોગ્યપ્રદ અને અસુવિધાજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો.
આ લાંબા ગાળાની સમસ્યાના નિરાકરણ માટે કોલોનીમાં એક સુવ્યવસ્થિત અને કાયમી ડ્રેનેજ પ્રણાલી (નિકાલ વ્યવસ્થા) નું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત અહીં 50 ઘન મીટર (ક્યુબિક મીટર) ક્ષમતાવાળો એક સંગ્રહ સમ્પ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા 283 મીટર લાંબી વરસાદી પાણીના નિકાલની ગટર મારફતે પાણીનો નિકાલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ ગટર યાર્ડની વિરુદ્ધ દિશામાં આવેલા નીચાણવાળા વિસ્તારમાં પાણીનો પ્રવાહ લઈ જાય છે. આ કાર્યમાં પાટાઓની નીચે 78 મીટર લંબાઈ સુધી પાઇપ પુશિંગનું કાર્ય પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ વર્ષનું ચોમાસું છેલ્લાં દસ-પંદર વર્ષોમાં એવું પહેલું ચોમાસું રહ્યું, જેમાં ખંભાળિયા રેલવે કોલોનીમાં કોઈ પણ પ્રકારનો પાણીનો ભરાવો થયો નથી. આ કાર્ય આશરે રૂ. 65.54 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ રાજકોટ ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગના સતત પ્રયાસો અને અસરકારક આયોજનનું પરિણામ છે.
