આજી-2 ડેમ નજીક દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ, પકડવા પાંજરા મૂકાયા
મનહરપુરની સીમમાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ
પંદર દિવસ પહેલા રાજકોટની ભાગોળે અમદાવાદ હાઈવે ઉપર હિરાસર એરપોર્ટ પાસે દિપડાએ દેખા દીધા બાદ ગઈકાલે જામનગર રોડ ઉપર આવેલ માધાપર અને મનહરપુર સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ખેડુતો અને શ્રમિકોમાં ફફડાટ ફેલાયો છે.
આ વિસ્તારમાં દીપડાએ દેખા દીધાની જાણ કરાતા ફોરેસ્ટ વિભાગ પણ સક્રિય બન્યું છે અને સીમ વિસ્તારમાં બે પાંજરા મુકી દીપડાને પાંજરે પુરવા પ્રયાસો શરૂ કર્યા છે.
મળતી માહિતી મુજબ મનહરપુર ગામની સીમમાં આજીડેમ નજીક રાત્રે દિપડો જોયાનું ગામલોકોએ જણાવ્યું હતું. વન વિભાગની ટીમે સ્થળ પર દોડી જઈ પગના નિશાનની ચકાસણી કરતા આ નિશાન દીપડાના પગના જ હોવાનું જણાવ્યું હતું પરિણામે દીપડાને પકડવા બે પાંજરા ગોઠવી દીધા છે.
ઈશ્ર્વરિયા મંદિર અને મનહરપુરની સીમ વચ્ચે આજી-2 ડેમની આસપાસના વિસ્તારમાં દીપડાના આંટાફેરા હોવાનું જણાવાય છે. અચાનક આ વિસ્તારમાં દિપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાયેલ છે.