શુકન સાચવતા લોકો ! ધનતેરસે લગડી-સિક્કાની સૌથી વધુ ખરીદી
ધનતેરસના દિવસે વર્ણજોયા મુહુર્તમાં લોકો દ્વારા સોના-ચાંદીની ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષ ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોવા છતાં પણ ધનતેરસનાં દિવસે લોકોએ મુહૂર્ત સાચવવા ખરીદી કરી હતી. રાજકોટની સોની બજારમાં ધનતેરસના દિવસે ખરીદીની ચમક જોવા મળી હતી. ભાવ વધારે હોવા છતાં લોકો એ હસ્તા મુખે શુંકનવંતી ખરીદી કરી હતી.
સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવના કારણે મધ્યમ વર્ગ મુસીબતમાં મુકાયો છે. મધ્યમ વર્ગના ગ્રાહકો દ્વારા સોની બજારમાં લગ્ન ગાળાને લઈને 24 કેરેટના સોનાની જ ડિમાન્ડ છે, પરંતુ ભાવ વધારાના કારણે લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ કરવામાં આવી રહી હોવાનું મોટાભાગના ઝવેરીઓ જણાવી રહ્યા છે. સુદર્શન વીજી ગોલ્ડના સંચાલક સોનુભાઈ સાહોલિયાના જણાવ્યા પ્રમાણે રોકાણની દ્રષ્ટિએ સોના અને ચાંદી બંનેની લગડી અને સિક્કાની ડિમાન્ડ સોની બજારમાં જોવા મળી હતી.
લોકો બોહળા પ્રમાણમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. ધનતેરસના દિવસે શુકનવંતી ખરીદીનું મહત્વ રહેલું છે. ત્યારે લગ્નસરાની સીઝન નજીક હોવાના કારણે 24 કેરેટ સોનામાં લાઇટ વેઈટની જ્વેલરીમાં ચેન, વીંટી,બંગડી, પાટલા, નેકલેસ સહિતની તમામ ચીજ વસ્તુઓની ખરીદી ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી. તેમજ રોકાણની દ્રષ્ટિએ લગડી સિક્કાની ડિમાન્ડ વધી હતી.