રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર પોલીસના ઉઘરાણા સામે 35 ગામના લોકોનો વિરોધ
આજીડેમ ચોકડીથી હલેન્ડા ગામ સુધીના વિસ્તારમાં ટ્રાફિકના નામે પોલીસનો અસહ્યત્રાસ, હપ્તાખોરીથી ત્રસ્ત આગેવાનોની ટ્રાફિક ડીસીપીને રજૂઆત
રાજકોટ શહેરમાં ટ્રાફિક શાખાની કથિત હપ્તાખોરીથી આસપાસના 35 જેટલા ગામોના લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. આજે આજીડેમ ચોકડીથી હલેન્ડા ગામ સુધીના વિસ્તારમાં રહેતા લોકો અને વિવિધ ગામોના સરપંચો ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા યાદવને રૂૂબરૂૂ મળી આ મામલે રજૂઆત કરી હતી. ગ્રામજનો આક્ષેપ કર્યો કે, ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું નિયમન કરાવવાને બદલે માત્ર હપ્તા ઉઘરાવવામાં જ વ્યસ્ત રહે છે.
રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવતા આજીડેમ ચોકડીથી કાળીપાટ ગામના પાટીયા સુધીના આઠ કિલોમીટરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ-ત્રણ જગ્યાએ ટુ-વ્હીલર, ફોર વ્હીલ ચાલકોને ટ્રાફિકના નામે આડેધડ દંડ કરવામાં આવતા ટ્રાફિક પોલીસની આ કામગીરી સામે 35 ગામમાંથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. 35 ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા આવેદનપત્ર આપી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરી છે.
સરપંચ અને આગેવાનોએ ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા યાદવને રૂૂબરૂૂ મળી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવે તે સારી બાબત છે પરંતુ ચેંકીગના નામે વાહન ચાલકોને ખંખેરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસની ટીમ કોઠારિયાથી ખોખડદળ, કસ્તુરબાધામથી હલેન્ડા વચ્ચે ચેંકીગના નામે વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવે છે.
સવારથી લઇ રાત્રિ સુધી ટ્રાફિક પોલીસની ટીમ રોડ ઉપર ઉતરી પડે છે અને 35 ગામના વાહનચાલકોને ટ્રાફિક કાયદાની બીક બતાવી દંડ સ્વરૂૂપે આર્થિક રીતે હેરાન કરવામાં આવે છે. સરપંચ સહિતના ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ખનિજ માફિયાઓની ગાડીઓ ટ્રાફિક શાખાને દેખાતી નથી. તેમણે કટાક્ષમાં કહ્યું કે, અમને પણ ખનિજ માફિયાઓના ડમ્પર ચાલકોની જેમ ચકલા પોપટની ચિઠ્ઠી (પાસ) આપી દો, અમે પણ ડમ્પર ચાલકોની જેમ ટ્રાફિક શાખાને હપ્તો આપવા તૈયાર છીએ.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોટા વાહન ચાલકો માટે બનાવવામાં આવેલી ચકલા-પોપટ ની સ્કિમની અમલવારી કરવા સરપંચોએ કહ્યું હતું કે, સાહેબ અમને તમારા ચકલા-પોપટ આપો એટલે આ વિસ્તારના ગામડાના વાહનચાલકોની હેરાનગતિ બંધ થાય.
સરપંચોએ એવી પણ રજૂઆત કરી હતી કે, રાજકોટ શહેરમાં દરરોજ આસપાસના ગામના લોકો નાની-મોટી ખરીદી કરવા શહેરમાં આવે છે પરંતુ ટ્રાફિક પોલીસની આવી કનડગતના કારણે રાજકોટ આવતા ડર અનુભવે છે.તેવી રજૂઆત તાલુકા પંચાયતના સભ્ય નિશિત ખૂંટ, યુવરાજસિંહ જાડેજા, ભાવેશ પીઠવા, ચોથાભાઈ ડાભી, નારણભાઈ ખેર, યોગભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ કરી હતી.
પોલીસની હેરાનગતિ બંધ નહીં થાય તો અંતે 35 ગામના લોકો આંદોલન કરશે
રાજકોટ-ભાવનગર હાઈવે ઉપરના હલેન્ડા સુધીના વિસ્તારમાં રહેતા ગ્રામજનોનું કહેવું છે કે, ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું નિયમન કરાવવાને બદલે માત્ર હપ્તા ઉઘરાવવામાં જ વ્યસ્ત રહે છે. તેઓએ આક્ષેપ કર્યો કે, ગ્રામજનો જેવા ગામની બહાર નીકળે કે તરત જ ટ્રાફિક પોલીસ ઉઘરાણી કરવા ઊભી જ હોય છે. ખાસ કરીને, ગામમાંથી નીકળતા બાઇકચાલકોને જ ટ્રાફિક પોલીસ પરેશાન કરે છે. રાજકોટ નજીકના ગામડાના આગેવાનોએ ટ્રાફિક શાખાના ડીસીપીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, તાકીદે ભાવનગર રોડ ઉપર ત્રણ જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી કરવામાં આવતા ઉઘરાણા બંધ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં આ મામલે આંદોલન કરવાની ચિમકી આપી હતી.