કોડીનારના કોટડા-માઢવાડ, વેલણ જૂથ પંચાયતના તલાટીની બેદરકારીથી લોકો મફત પ્લોટથી વંચિત
તલાટી દ્વારા જમીન નીમ કરવા માટે દરખાસ્ત ન કરાતા લોકોને મફત પ્લોટનો લાભ ન મળ્યો: સરપંચની ઉચ્ચકક્ષાએ રજૂઆત
કોટડા- માઢવાડ અને વેલણ જૂથ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીની ઘોર બેદરકારીના કારણે આ વિસ્તારના મકાન વિહોણા પરિવારને મળવા પાત્ર સો-વારના મફત પ્લોટ નહીં મળી શકવાના કારણે ગ્રામ પંચાયતના સરપંચ રમીલાબેન મહેશભાઈ સોલંકી એ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિને એક વિસ્તૃત પત્ર લખી રજૂઆત કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ 1-5-2017 ના ઠરાવની જોગવાઈ મુજબ પ્લોટ મેળવવાની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવા માટે જે ગામોમાં ગામ તળ ઉપલબ્ધ ન હોય ત્યાં ગામ તળ નીમ કરવા માટે તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી સમય મર્યાદામાં થાય તે માટેના તારીખ 2-9 - 2025 ના પત્રથી રાજ્યમાં પ્લોટ વિહોણા કુટુંબને મકાન બનાવવા માટે મફત પ્લોટ આપવા જે ગામોમાં ગામ તળ નીમ થયું ન હોય ત્યાં ગામતળ નીમ કરવા માટે જુમ્બેસ સાથ ધરીને તારીખ 17-9-2025 સુધીમાં લાગતા વળગતા અધિકારીઓએ ફરજિયાત કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું કોડીનારના છેવાડાના દરિયાકાંઠા વિસ્તારના કોટડા- માઢવાડ અને વેલણ જૂથ પંચાયતની વસ્તી અંદાજે 25,000 જેટલી છે અને આ વિસ્તારમાં વર્ષોથી દરિયામાં માછીમારી કરીને માછીમાર પરિવારો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેઓ વર્ષોથી દરિયાકાંઠે ઝુપડા બનાવીને રહે છે.
આ ગામ વિસ્તારના ગરીબ લાભાર્થીઓને વર્ષોથી મફત પ્લોટના કોઈ લાભ મળેલ નથી કારણ કે મફત પ્લોટ માટે કોઈ જમીન નીમ થયેલી નથી પરંતુ સરકારે જ્યારે જમીન મકાન વિહોણા લોકોને સો ચોરસ મીટરના પ્લોટ મળે તે માટે જે તે ગામોમાં જમીન નીમ થઈ ન હોય તો આ પરિપત્રથી સમય મર્યાદા નક્કી કરીને એક ઝુંબેશ હાથ ધરી હતી પરંતુ આ જૂથ પંચાયતના તલાટી મંત્રી મયુરભાઈ બારડની ગંભીર અને ઘોર બેદરકારીને કારણે આ વિસ્તારની પ્રજાને સરકારની કોઈ યોજના ન મળે તે માટે જમીન નીમ કરવા માટે કોઈ દરખાસ્ત તાલુકા કક્ષાએ મોકલી ન હતી.
આમ આ વિસ્તારની પ્રજાના કલ્યાણકારી કાર્ય માટે સરકારની કોઈ યોજનાનો લાભ લોકો સુધી ન પહોંચે તે માટેની આ બેદરકારીના કારણે આ વિસ્તારની પ્રજાને મોટું નુકસાન કરેલ હોય આવા તલાટી મંત્રી સામે શિક્ષાત્મક પગલાં લેવા અને આ વિસ્તારની પ્રજાને મફત પ્લોટ યોજના નો લાભ મળે તે માટે કાર્યવાહી કરવા પત્રના અંતમાં જણાવ્યું હતું
